nokri - Metrical Poem | RekhtaGujarati

(મિશ્રોપજાતિ)

'ઊગી ગયો સૂરજ અર્ધ તોયે

લગાડતો મૂરખ વાર, આ તે

સ્હેવાય કેમે જ? થયું છ મોડું

પોસાય ત્યાં કેમ જ લાડ, આવાં?'

ને બોલતો મામદ ત્યાં : ‘અલી એ

જોને રડે આ મુજ સાથ આવવા!

ન જાણતો એટલુંયે ગમાર

કે સા'બને ત્યાં ન અવાય એથી.

શું હોય તે લાડ કદીય આવાં?

છે આવવું, આવવું છે, કરી કરી

જોને રહ્યો માથું જ ખાઈ ક્યારનો!

તું લે છ આ મૂરખને?' અને ફર્યો

ખિજાઈને હાસમ મેર બોલતાં :

'છે આવવું ને મુજ સાથ તારે?

લે! આવજે 'લ્યા, રડજે હવે તું;

થા ચૂપ, બસ્ ચૂપ જ!' એમ બોલી

એને ધરી થપ્પડ બેક દીધી.

'મારો છ કાં? છોકરું આ શું જાણે?

તેડી જવું ત્યાં જ રહ્યું : નકામો

મારો છ તે! મારી જ સાવ નાખો.'

બીબી વદી તે બહુ મોડું થાતાં

ન સાંભળી મામદ બ્હાર ચાલ્યો.

ક્રોધે ભર્યા રાક્ષસશો હિમાળો

વીંઝે છ કાળા નિજ કોરડાને;

ને સૂસવી સૂસવી વાયરાઓ

ફુત્કારતા લાખ ફણીધરો શા;

ભેંકાર ભાલાં ઊઠી ભોંયમાંથી

વીંધી રહ્યાં મામદના શરીરને;

ને હોઠ ભીંસી, જડબું પરાણે

દબાવી, મૂઠી નિજ બેય વાળી,

લપેટતો દુર્બળ દેહ કોટના

કાળા અને જીરણ ચીંથરામાં,

ધપી રહ્યો મામદ ઘેર સા'બના.

'લ્યા! કેમ મોડો?'

'થયું બાઈ મોડું.'

'ન ચાલશે એ મુજ ઘેર હાં કે?

દ્હાડો ચડે પ્હોર, પછી પધારવું

ધીમે ધીમે, એ વળી નોકરીની

હતી હશે રીત ક્યંહી?’ ઉવાચ

સાહેબ કેરાં ગૃહિણી કુલીન.

વળી વદ્યાં : 'મામદ!' 'બાઈ!' ‘શાને

ઊભો છ? જોતો નથી ભાઈ ક્યારનો

રડે છ તે? જા, તું રમાડ એને;

જોજે, જરાયે ન રડે; નહીં તો

જાગી જશે સા'બ કદાચ.' આર્યા

સાહેબનાં એમ વદી સુલક્ષણાં,

મંડી ગયાં દાતણ ચાવવાને.

ને શાપતો રોતલ હાસમાને,

નીચે ગયો મામદ લેઈ 'ભાઈ’ને,

અને હસી ફિક્કું જરી પરાણે,

મથે છ રોતા અટકાવવાને

એ બાઈના દેવ તણા દીધેલને.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941