nawo saiko - Metrical Poem | RekhtaGujarati

નવો સૈકો

nawo saiko

કલાપી કલાપી
નવો સૈકો
કલાપી

લક્ષ્મી તણાં અમર પદ્મની આસપાસ,

ફૂટી ખીલી ખરી જતી કંઈ પાંખડીઓ;

વર્ષા તણાં શતક તેમ અનન્તતામાં

ફૂટી ખીલી ખરી જવા વહતાં હજારો. ૧

ફૂટે, ખીલે, ખરી પડે કંઈ પાંખડીઓ,

ક્ષીરાબ્ધિનું કુસુમ એક લ્હેર મ્હાણે;

ત્યાં ભૃંગ જેય ચકચૂર સુધા મહીં તે,

પાંખડી ફૂટી ખરી ગણે, જાણે. ર

આત્મા અધિપતિ મધુપ અનન્તતાનો,

આત્મા અમીઝરણના રસનો વિહારીઃ

આત્મા ગણે નહિ તે યુગને-ક્ષણોને,

કાં દેશકાલ? સઘળે વસન્ત જામી! ૩

ક્યાં શીત ઉષ્ણ? સઘળે વસન્ત છાઈ,

ફેલે પરાગ સહુ એક ભંગ કાજે,

તેને કયું નવલ છે ફૂલ અર્પવાનું?

આશિષ ઊછળતી પણ કોણ માટે? ૪

ભૃંગના સહુ વારસ છો અહીંયાં,

પદ્મની મધુરતા બધી વારસો છે;

ગુંજો ઊડો સુખથી સૌ પ્રવાસમાં આ,

યાત્રા પવિત્ર રમણીય સ્થલે સ્થલે છે. પ

વ્હાલાં સખા, સખિ, સહોદર, બાલ ભોળાં;

લક્ષ્મી તણા કુસુમના મધુનાં વિહારી!

ઇચ્છું કયું નવીન હું સુખ સૌ તમોને,

બેસતું શતક વર્ષ તણું બતાવી? ૬

જાણું નહીં અશુભ શું, શુભ શું હશે તે,

જાણું નહીં અહિત શું, હિત શું હશે વા;

જાણું નહીં સુખ સુખે અથવા દુ:ખે તે,

શું ઇચ્છવું, નહિ પણ જાણતો વા. ૭

જાણું પરંતુ, રસનાં સહુ છો વિહારી,

જાણું વળી કુસુમ એક છે રસાળું;

છો જે તમે કુસુમના કુસમે રહો એ,

ભાગ્ય, હિત, શુભ ઇચ્છવાનું. ૮

સેવા ધરું નવીન શી ચરણારવિન્દે?

ગૂંથી કયાં કુસુમનો લઈ હાર આપું?

લક્ષ્મી તણા સુમન પાસ ફૂલો લજાતાં,

સ્વામી ધરે સહુ જ, ત્યાં કયી ભેટ લાવું?

લાવી ધરું હૃદય તોપણ તમોને,

લાવી ધરું હૃદય તે નિજ સાથ લેજો;

પીજો પીવાડી મધુ અમૃત પુષ્પનું સૌ,

બીજું ધરે પ્રભુજી તે લઈ મગ્ન રહેજો! ૧૦

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ