nawjat shishune - Metrical Poem | RekhtaGujarati

નવજાત શિશુને

nawjat shishune

ગીતા પરીખ ગીતા પરીખ
નવજાત શિશુને
ગીતા પરીખ

(વસંતતિલકા)

તું પારિજાત સમ કોમલ સ્નિગ્ધ રમ્ય

ઝુલાવતું સુરભિની લહેરી ઉરે શી!

આ માંડમાંડ ખૂલતી દૃગથી મને તું!

કેવી કરે નજરકેદ - સ્વયમ્ ન જાણું!

આ મુઠ્ઠી જે હજી ય પૂરી ખૂલી શકે ના

તે માંહ્ય મારું ઉર શી રીત ગોપવી દે?

બે કૂમળા કર કંઈ પકડી શકે ના,

તેનો ય પાશ અણદીઠ મને વીંટી લે.

ને આ ગુલાલ સમ પાની અડી ન ભોમે

તેને પદેપદ ઘૂમે ગતિ સર્વ મારી.

તેં તો હજી જરીક રશ્મિ નિહાળ્યું આભે

ત્યાં તું અહો કઈ રીતે બહલાવી દે આ

મારા નભે ઊમટતો નવ રશ્મિપુંજ?!

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2