navi dunia vishe - Metrical Poem | RekhtaGujarati

નવી દુનિયા વિષે

navi dunia vishe

દલપતરામ દલપતરામ
નવી દુનિયા વિષે
દલપતરામ

[અદ્ભુતરસ]

(દોહરો)

દીસે દુનિયા નવી, નવું નવું સૌ ઠામ;

કોણ મને લાવ્યું અહીં, દાખે દલપતરામ.

(ભુજંગી છંદ)

અરે આજ આંહી મને કોણ લાવ્યું,

નવું વિશ્વ શું ઈશ્વરે વસાવ્યું;

ગયું ક્યાં હતું જેહ જૂની પ્રજાળું,

અહો, સૃષ્ટિ તો નવી હું નિહાળું.

બન્યા બાગ ને બંગલા ઠામ ઠામ,

નહીં જ્યાં હતું નીર મીઠાનું નામ;

નહીં દીસતું ઝાડનું એક ડાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

વિમાનો સમાં વાહનો ક્યાંથિ આવ્યાં,

બહુ શોભિતાં એહ કોણે બનાવ્યાં;

તુટ્યું જ્ઞાન ભંડારનું કેમ તાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

વિના બેલ અશ્વે રથો એહ થોડે,

જતાં આવતાં વાટમાં એહ જોડે;

ચાલી શકે કોઈ પ્રાણી પગાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

નહીં સાંભળેલી કદી ક્યાંઈ કાને,

કળાયો વધી સ્વર્ગવાસી સમાને;

પડે દૃષ્ટિ સૌ રૂપાળું રૂપાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

હતાં જે સ્થળે છાપરાં છેક છોટાં,

દિસે છે તહાં મંદિરો આજ મોટા.

ખરૂં હશે કે હશે સ્વપ્ન ઠાલું,

અરે સૃષ્ટિ તો નવી હું નિહાળું.

હશે સ્વર્ગ કે હશે મૃત્યુ લોક,

હશે સત્ય કે હશે સર્વ ફોક;

અરે એહ સંદેહને કેમ ટાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

જુદાં વસ્ત્ર દીસે જુદા ખાનપાન,

જુદી જાત વાજાં જુદાં ગાન તાન;

નકી સર્વ જૂનાથી દિસે નિરાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

દિસે ધર્મ જૂદા જુદા કર્મ કારી,

નવું રાજ દિસે નવા કારભારી;

બળિષ્ટે હતું તે દિસે નિર્બળાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

હતા ચોર લોકો હતા જ્યાં લુટારા,

તહાં તો દિસે છે ઘણા લોક સારા,

દુખાળું હતું સ્થાન તે છે સુપાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

વધેલી દિસે છે બહુ સ્થાન વસ્તી,

સુખી સંભવે છે પ્રજા તે સમસ્તી;

રસોહીન થાને થયું છે રસાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

અરે નવી સૃષ્ટિમાં આવવાથી,

ફર્યો દેહનો રંગ જૂદી હવાથી;

થયું શ્વેત માથું હતું જેહ કાળું,

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

હતા જે જનો વૃદ્ધ તે ક્યાં સિધાવ્યા,

કયા દેશમાંથી નવા એહ આવ્યા;

ગયું ક્યાં જનોનું હતું જેહ જાળું;

અહો સૃષ્ટિ તો નવી હું નિહાળું.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002