નર્મદ
Narmad
(ચંદ્રાવળા)
મારગડો બહુ ઝાડે શોભે, વડ પીપળને સાગ;
જમરૂખડી જાંબુડી મહૂડાં આંબા જાગે જાગ;
આંબા જાગે જાગ તે આવે, છાયાનું સુખ લે જન ભાવે;
કેળ ભણી મન વળતું લોભે,–મારગ. વડ...
વળી કરમદી બોરડી બાવળ, કાંટાસરિયા હોય;
થુએરિયા ઝુમર જેવા ને, ઊંટકટા ફૂલ સહોય;
ઊંટકટા ફૂલ સહોય છે પીળાં, ખેતર તો દીસે બહુ લીલાં;
શાળ નાગલી છતમાં આવળ,—વળી. કાં...
ઉપરથી વરસે મેહ ભારી, ઝાડ તળે પશુ જાય;
ભેંસ ગાય બકરાં ને ઘોડાં, બહુ દૂબળાં દેખાય;
બહુ દુબળાં દેખાય પણ સારાં, કામ કરે પહાડે વસનારાં;
ઘૂંગટીમાં લપટાય રબારી, —ઉપરથી... ઝા....
ચઢ્યા એક ડુંગર કે આવે, બહુ મોટું મેદાન;
જેની પણ ચોપાસે ડુંગર, ઝાડવનાનું રાન;
ઝાડવનાનું રાન છે જાંહે, શાળ તણાં ખેતર કો તાંહે;
ઝરણે વહેતાં તે મન ભાવે,—ચઢયા... બહુ...
એવાં મેદાનો, છે ક્રમમાં, કહું આશરે સાત;
એકલડો શૂરો પણ હબકે, કાયરની શી વાત;
કાયરની શી વાત કહું જ્યારે, થાય વીજ ગગડાટો ત્યારે;
તપસી રહે આનંદી ધૂનમાં,—એવાં... કહું...
સૂર્ય અસ્ત થવાની વેળા, તડકો કુમળો થાય;
બહુ મોટી લીલી ચકચકતી, જાજમ તે પથરાય;
જાજમ તે પથરાય મેદાને, લીલા ના વરણાએ પાને;
સમી જાય સંસારી વેલા,–સૂર્ય... તડ...
લીલું ઘાસ ઊગેલું તેથી, ડુંગર દૂર શોભાય;
મેથીની ભાજીનાં તાબૂત, એ ઉપમા અપાય;
એ ઉપમા અપાય બહુ સારી, કો નગ પર લહેરિયાં ભારી;
લીલા ખીલી ઊંચી હેઠી,—લીલું... ડુંગ...
ત્ર્યંબકના પહાડોમાં ભમતાં, જે છે બહુ વિખ્યાત;
બ્રહ્મ તણી લીલાનાં દર્શન, થયાં શુભ સાક્ષાત;
થયાં શુભ સાક્ષાદાનંદે, કહે નર્મદ ચંદ્રાવળછંદે;
ભૂખ તરસ લેશ ન કો દમતાં,—ત્ર્યંબ... જેછે...
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 127)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
