દલપતરામ
Dalpatram
(સવૈયા)
છત્ર નથી શિર છાપરું છે નહિ છે છતમાં પણ છેકજ છોટો;
તોપણ છે ત્રણલોક પ્રસિદ્ધ સુમેરુ થકી મહિમા બહુ મોટો,
તત્વ અનેકનું તત્વજથા પ્રગટે મહત્વ તણો પરપોટો,
આ મહેતા નરસિંહ તણો અઘનાશક પુણ્ય પ્રકાશક ઓટો.
*
જો નહિ સોરઠ દેશ ફર્યો પરદેશ વિશેષ ફર્યો ન ફર્યો,
જો ગિરનાર પ્રવેશ કર્યો ન પ્રયાગ પ્રવેશ કર્યો ન કર્યો;
જો ન દામોદરકુંડ તર્યો સરિતા જલ સર્વ તર્યો ન તર્યો,
જો ધિર જન્મ ગયો ન જુનેગઢ તો જન જન્મ ધર્યો ન ધર્યો.
*
જ્યાં ન૨૨ત્ન ઘણાં નિપજે, અવની પણ પ્રાચીન કાળની એવી,
ખાસિ ખરેખરી રત્નની ખાણ વખાણી વિશેષ કહે કવિ કેવી;
ઇંદ્રપુરિ અલકાપુરિ કે લક્ષમિવરની પુરિ તે ગણી લેવી,
જોઈ ઘણી જગમાંહિ જગા પણ જોઈ નથીજ જુનાગઢ જેવી.
1. છત્ર નથી શિર છાપરું છે નહિ છે છતમાં પણ છેકજ છોટો = છત્ર નથી શિર છાપરું છે છતમાં પણ છે વળી છેકજ છોટો (પાંચમી આવૃત્તિ)
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
