NarmaTekri - Metrical Poem | RekhtaGujarati

નર્મટેકરી

NarmaTekri

નર્મદ નર્મદ
નર્મટેકરી
નર્મદ

(ચોપાઈ)

મુંબઈલગતૂં ન્હાનૂં ગામ, પરેલ મધુરૂં કોમળ નામ;

વસ્તી ગરીબ ત્હાંની ઘણી, સંખ્યા નહિં ઝાઝી તેતણી.

ગામ નથી જોવા લાએક, (પણ) આસપાસની રચના નેક;

હવે પાણિ સારાં બહુ ત્યાંહ, કુદરતના દેખાવો જ્યાંહ.

ખેતર મેદાનો ને બાગ, શોભે છે ત્યાં જાગોજાગ;

અનેક ઝાડો પંખી ઘણાં, રચનામાં હોયે શી મણા!

શ્રીમંતોની વાડી બહૂ, ખુલ્લામાં ખૂલે તે સહૂ;

ઝાડ પાન ફૂવારા હોજ! વળી બંગલાકેરી મોજ!

પણ જોવાને તો લાએક, ધામ ગવરનરનું છે એક;

જેની શોભાનો નહિં પાર, કરિશ બિજે ટાણે વિસ્તાર.

તળાવ મોટૂં સુંદર બ્હાર, ચાંદનિમાં શોભે સુખકાર;

પવન લ્હેરથી પાણીમાંહ્ય, લ્હેર મનોહર રમતી થાય.

કોરેથી ઊંચે વળે, વાઘ-ઈશ્વરી માતા મળે;

ત્યાંથી ચ્હડતાં ઊંચે બહૂ, નિશાણકાઠી આવે કહૂં.

પેલિ પાસથી જાતાં વળી, ચ્હડતાં ઊંચે દીસે ભલી;

તે ટેકરિ મારો વિશ્રામ, દુખિયાને તે સૂખનૂં ઠામ.

કાઠિવાળિનૂં મ્હોડૂં નેક, હમણાં ઉતરી ગયું છે છેક;

સણગારો તો બંધ થયા, સગાં સ્નેહિ સહુ આઘાં ગયાં.

બે ટેકરિયો શોભાય, એક ઉદરની બેનો થાય;

કાઠીવાળી મોટી ખરી, મારાવાળી ન્હાની જરી.

બેવચને હૂં દુખિયો હતો, તેથી અહિં તહિં ફરવા જતો;

ઘણી જગાઓ જોઈ વળ્યો, પણ કોઈ સાથે ના હળ્યો.

પણ જારે હૂં આવ્યો અહીં, જોતામાં સખ પામ્યો સહી;

૫છી વિચાર કરૂં છૂં જેમ, સરખે સરખાં જોઊં તેમ.

કાઠીવાળી ટેકરિ એક, બીજી નીચે વાડી નેક;

બંનેની છે પડતી દશા, અડે નહીં પાછી સોવશા.

દુનિયાંની હૂં સમજ્યો પેર, શીખામણ મેં લીધી ઘેર;

અડતી પડતી સહુની ખરે, પ્રીતિકળી ખીલી તે ખરે.

વાંક તમારો લેશે નહીં, બેનો નવ ગભરાશો કંઈ;

આથમતા રવિકેરૂં તેજ, જોઈ ધીરજ રાખો સ્હેજ.

તમારિ તો સંધે છે ખ્યાત, (તેમાં વળી) કવી કરે વિસ્તારે વાત;

તમે દિલાસો આપ્યો તેમ, વળે પાડ મારાથી કેમ?

હવે ટેકરી મારી જેહ, કેવી રૂપે ગૂણે તેહ;

વર્ણન વાંચી જાજો લોક, દર્શન કરતાં મુકજો શોક.

આમ કરી દુરથી દેખાય, ઉતાવળાં પગલાં થઇ જાય;

ચ્હડતાં એવો હરખ માય, ચ્હડ્યા પછી ક્યમ ના સુખ થાય?

વિસ્મયવાળી થાયે આંખ, શોભામાં ઊણૂં નહિં કાંક;

પછી બેસતાં ખજુરી પાસ, મહોડેથી બોલાએ હાસ!

આહા કેવૂં એકાંત! ચાર પાસ કેવૂં શાંત!

જમિન પવન પાણી આકાશ, બહુ ગંભીર કરે મન આશ.

પંખી દુર બોલે જે કોઈ, કોઈ વાર સાંભળિયે મોહિ;

(વળી) વચ્ચે ગાડિ કરે ગગડાટ, તેનો પણ ગંભીર થાટ.

દિવસે તો લાગે લગરીક, અંધારી રાતે બહુ બ્હીક;

(તોપણ) તારા જોઈ માણે મોજ, કવિ અંતરમાં કરતો ખોજ.

દુનિયામાં આફતની રાત, તેમાં આશાનો ચળકાટ;

આશાથી ઈશ્વરતણી, કૃપાપ્રસાદી મળતી ઘણી.

પણ જારે ચાંદનિ સોહાય, ટેકરિ પર ચાદર પથરાય;

પૂર્વ દિશાએ દરિયો જેહ, રંગ રંગ દેખાડે તેહ.

મોજાઓમાં થાતાં ફીણ, વચ્ચે તે ચળકે જ્યમ ચીણ;

દુરથી આવે ઘૂ ઘૂ સાદ, ખરે મધુર તેમાં શો વાદ?

પવન વળી આવે જે મંદ, રુવે રુવે પસરે સુખકંદ;

કિયો ચિતારો ચિતરે જોઉં! કવિ વરણે પણ હૂં તો રોઊં.

મધુર ચાંદની શી ગંભીર, હૂં તો રાખૂં ઊંચૂં શીર;

ખૂબ જોઈ શિર નીચૂં કરૂં, ધ્યાન રુંડૂં અંતરમાં ધરૂં.

જ્ઞાનચંદ્ર ને મનઆકાશ, જોઈ કરૂં કર્તામાં વાસ:

જીવનમુક્ત થાઊં ખરો, પછી હોય શેનો ખર્ખરો?

(પણ) સર્વ કાળે એવો હું નહીં, હોઊં હૂં તો પછિ દુનિયાં કહીં;

જોગી અનુભવ સાચો લેય, તજિ દુનિયાં જંગલમાં રેહ.

દરિયો લાંબે પશ્ચિમભણી, મળે કોર તેને નભતણી;

સૂરજ આથમતાં ને પછે, શોભા ત્હાં તો અચ્છી મચે.

દરિયો દીસે પૂરવભણી, તેમાં ડુંગરિ રમતી ઘણી;

સૂરજ ઊગે ધૂમર ગળે, આનંદે દલગીરી ખળે.

ટેકરિ નીચે પૂરવ પાસ, વાડી જોઈ થાઉં ઉદાસ;

થોડાં થોડાં ઝાડો હજી, પૂર્વદશા દેખાડે લજી.

ટેકરિ નીચે પશ્ચિમકોર, ઝાડ ઝૂમખા રાખે તોર;

ઘટા ઘણી તેથી રહે સ્થીર, ઘણો વાય તો હિલવે શીર.

ચોમાસામાં કેવી મજે, ટેકરિ લીલી સાડી સજે;

લિલોતરીનો ચારો ચરે, તે જન પછિ ઉરમાં બહુ ઠરે.

ઋત ઋતના જૂદા બ્હાર, સમજાવે છે સારાસાર;

ગભરાયાંને ધીરાં કરે, ધીરાં આગળ સમજણ ધરે.

સાદિ સલૂણી સમજૂ છબી, પણ થોડાં જણ સમજે ખુબી;

ડુંગર દરિયા ને આકાશ, એમાં શૂં જોવાનૂં ખાસ?

કુકડા આગળ હીરો જેમ, અજ્ઞાનીને મન તે તેમ;

જેને બીજા પથરા કેહ, તેને કવિજન હીરા લેહ.

બલિહારી છે કુદરતતણી, કવી જુએ છે ખૂબી ઘણી;

બીજાં પણ સંસ્કારી જેહ, પીએ પ્રેમામૃત તેહ.

પ્રેમામૃત નિંદે કોય, તે તો જાતે અંધો હોય;

જારે તે દેખાયે નહીં, તારે નિંદા કરતો સહી.

(પણ) જનમથકી સંસ્કારી હોય, ગરૂડ તણી આંખે દુર જોય;

ટુંકી નજરનો દેખે નહીં, ચશ્માથી વળિ પેખે કંઈ.

જોવું વાંચવૂં સુણવૂ અને, એકાંતે રેહેવાનૂં બને;

પંડિતમૈત્રી કરવી એહ, જાત જાતના ચશ્મા છેય.

રડ્યાથિ ને જાગ્યાથી બહૂ, ટુંકી નજર કંઈ મારી લહૂં;

ચશ્માવણ ચાલે છે ખરું, પણ પેરૂં તો જોઊં ખરું.

(પણ) ટુંકી નજર અંદર નહિં જરા, છુપા જોઉં કુદરતના ઝરા;

ટુંકી નજરનો હૂં તો નહીં, ચખાડું છૂં બીજાને સહી.

મૈત્રી મારે કુદરતતણી, લેણાદેણી મારે ઘણી;

કુદરત મારી છે માશૂક, એથી પૂરૂં પામૂં સુખ.

બહુ ગભરાઊં દુનિયાંથકી, એકાંતે જઈ બેસૂ નકી;

કુદરતકેરા કરૂં વિચાર, વિસરી જાઊં દુખને યાર.

ટેકરિ પરથી નીચે જતાં, કુંજગલીની જોઊં છટા;

ચકલીયો સંધ્યાને સમે, ગાએ બહુ મીઠૂં તે ગમે.

ખરે ટેકરી વ્હાલી સહી, ભરવરસાદે ભેટૂં જઈ;

દૂર જતાં લાગે બહુ થાક, જોતાં થાએ ટહાડી આંખ.

ત્હારાથી દુઃખ વિસર્યો છેક, વળિ પામૂં છૂં સુખડૂં નેક;

મોટો તારો ઉપકાર, પાડ શું વાળૂં છઉં લાચાર.

જો હૂં હોતે તાલેવાન, બંધાવત મીનારો માન;

વળી બંગલો તેની પાસ, જેથી સમરણ રહેતે ખાસ.

પણ નર્મદ તૂ ભૂલે કેમ, સમરણ સારૂં નહિં ક્ષેમ;

સમરણ સાચૂં મોટૂં એહ, કવિતામાંહિ લખાયે જેહ.

અ્હડાર તેંસટ ઈસવી સંન, સોળમિ જૂને કરી દરશંન;

મહિમા ગાઈ પૂરો કર્યો, નર્મદ ડુબતો પાછો તર્યો.

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 156)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ