nanga shikhar - Metrical Poem | RekhtaGujarati

નંગા શિખર

nanga shikhar

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
નંગા શિખર
ઉમાશંકર જોશી

(મિશ્ર)

ઉત્તુંગ નંગા!

હિમાદ્રિકૂટોની કતાર મધ્ય

ઊભેલ કો કટ્ટર કાળમીંઢ

દુર્ધર્ષ્ય યોદ્ધા સરખો કરાલ,

રે ધન્ય ઓ ઉન્નતશ્રૃંગ નંગા!

નિષ્કંપ નંગા!

સીમાન્ત ચોમેર સુવિસ્તરન્ત

સૌન્દર્યનાં તેં સહરા નિહાળ્યાં,

દીઠા મહાતાંડવખેલ મેઘના.

જોયાં કર્યાં, ને, અતલાન્ત આભ

નિહારિકાનાં વમળે ભરેલ.

દીઠી પરંતુ હતી તેં કદીયે

મહત્ત્વ-કાંક્ષા ન મનુષ્ય કેરી.

ચાખેલ ના એની કદી જયેષણા.

નિર્ભીક નંગા!

આવ્યો જ આવ્યો તવ જો તળેટીએ,

ચઢ્યો ઊભો માનવ સ્કંધ તારે,

ખંખેરી ડિલેથી ફગાવતો ભલે,

ભલે ધુણાવે તવ શીર્ષ ચંડ.

એ ઊભશે એક દી મસ્તકે તવ,

હિમાદ્રિના ધન્ય અજય્ય શૃંગ!

અજય્ય નંગા?

ના, ના, ન કૈં માનવને અજય્ય,

ન વા કંઈ માનવને અધૃષ્ય.

જાણે ન તું ગૌરવ માનવોનું,

જેણે નવે અર્ણવને વલોવ્યા,

મઢ્યાં રણોને નવપલ્લવો વડે,

ખણ્યાં ધરા ભીતર તાગ લીધા,

વીંધ્યા ગિરિ, બાગ ગણ્યાં અરણ્યો,

નાથ્યા નદો ને પવનો પલાણ્યા.

શો ગર્વ એ માનવ પાસ રે તવ!

દુર્જેય નંગા!

પ્રતીક તું કિંતુ જયેષણાનું,

મહત્ત્વ-કાંક્ષા તણું માપ ભવ્ય.

સોહીશ આદર્શ તું માનવોના

દુર્દાન્ત સંકલ્પ પ્રભાવ કેરો

દુર્જેય તું જ્યાં લગી ના જિતાશે,

ના જ્યાં લગી વામન માનવી કને

યુગાન્તરોથી દૃઢ ઊર્ધ્વમૂર્ધા

હિમાદ્રિયે તે નતશૃંગ ઊભશે.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941