nadine sindhunun nimantran - Metrical Poem | RekhtaGujarati

નદીને સિન્ધુનું નિમન્ત્રણ

nadine sindhunun nimantran

કલાપી કલાપી
નદીને સિન્ધુનું નિમન્ત્રણ
કલાપી

ઘૂ ઘૂ ઘૂ ઘૂ ગિરિ ઉપરથી ઘૂઘવી આવતી'તી,

મારે માટે હૃદય દ્રવતું ભેટવા લાવતી'તી;

સર્પાકારે વહતી વનમાં ગીત ગાતી હતી તું;

મારી છાયા સમજી નભને ઉરમાં ધારતી તું!

દીઠા મારા અવર નદીથી હસ્તને ખેલતા શું?

દીઠી મારી ચડતીપડતી પ્રેમમાં તેં અરે શું?

દીઠી છાપો દિલ પર પડી સર્વ ભૂંસાઈ જાતી?

શું દીઠું કે ત્યજી દઈ મને રેતમાં તું સમાઈ?

મારા હસ્તો જરૂર નદીઓ અન્યથી ખેલનારા,

ખેંચાતું જે મુજ તરફ ત્યાં દિલ ખેંચાઈ જાતું;

તુંયે વ્હાલી ગિરિ પર થઈ આવતી તે ભૂલી શું?

ભૂલી કાંઈ રજ મધુ પિતા પાસથી લાવી તે શું? ૩

રે! વેળાની ચડતીપડતી કાંઈ પ્રેમેય થાતી,

કંપે છે આ, સ્થિર નવ રહે સર્વ બ્રહ્માંડ, વ્હાલી!

વીણાતારો સ્વર શરૂ કરી અન્ત્ય વિરામ પામે,

કંપે પાછા નિપુણ કરનો કંપ ને સ્પર્શ થાતાં ૪

રે! ભૂંસાતી દિલ પર પડી છાપ કંપસ્પર્શે,

ભૂંસી દેવું, ફરી ચિતરવું, છે ચિત્ર આંહીં!

ઓહો! આવા નીરસ રસમાં વિશ્વને તું વહેતાં

તારું મારું જીવિત સરખાં, પ્રેમ કાં સંભવે ના? પ

મારી થા તું ફરી ઊછળીને રેતનાં પડોથી,

ના છાજે સલિલ મધુરું ધૂળમાં રોળવાનું;

હું-સંયોગે કટુ થઈશ તું, તોય હું નાથ તારો,

રે રે વ્હાલી! નવ મળી શકે ઐક્ય કો અન્ય સ્થાને. ૬

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ