mumbithi rantunDi sudhi aggaDiman joyelo dekhaw - Metrical Poem | RekhtaGujarati

મુંબઈથી રણતુંડી સુધી આગગાડીમાં જોયેલો દેખાવ

mumbithi rantunDi sudhi aggaDiman joyelo dekhaw

નર્મદ નર્મદ
મુંબઈથી રણતુંડી સુધી આગગાડીમાં જોયેલો દેખાવ
નર્મદ

(કટાવ)

ગાડીમાંથી, રચના જોતાં, હરખ્યું મન મુજ,

ડુંગર મ્હોટા, પડેલ લાંબા, અજગર જેવા,

દેખાયા તે, રંગ રંગના,

કેટલાકના, કળોઠિ જેવા, રંગ ચળકતા,

કેટલાક તો, કાળાબલ્લક,

કેટલાક તો, ભૂરા રાતા,

કેટલાક તો, ઝાડ ઝૂમખે, પાકા લીલા,

કેટલાક તો, ફક્ત ઘાસથી, કાચા લીલા,

જેની માંહે, વચ્ચે વચ્ચે, લાલ માટિના, ઢળતા લીટા, શોભે સારા, કો લીલા

પર, કાળિ વાદળી, ઝૂમી રહેલી, કો કો ઠામે, ઝાડ તાડનાં, ઊભાં ઊભાં,

આગળ જાતાં, ખેતર તેમાં, ઝાડો વચ્ચે, કંઈ કંઈ અંતર, જે માંહેથી, આરપાર

ખુબ, નીરખતાં તો, ચકચકતો બહુ, દરિયો દીસે, ડુંગર પરનાં ઝાડોકેરી,

ઘટા અને બહુ ઝાડ ઝૂંડનાં, વન રઢિઆળાં, જેમાં હજાર જીવજંતુનું, રક્ષણ

થાએ, કોઈ ખાતાં, કોઈ વઢતાં, ક્રીડા કરતાં, સુતાં ચાલતાં, નાનાવિધના

વ્યાપારો તે, કરતાં હોશે, ગાડી જારે, જાય ટનલમાં ચિંઈઈ કરીને, તારે સહુ

જન, થાય અજબ બહુ, એવી વેળા, થોડિવારનાં, અંધારામાં નિજ પ્રિયજનને,

છાતી સરસૂં, ખૂબ ચાંપવૂં , સુખડૂં તો, સ્વર્ગનું સાચે, વળી ટ્રેનને, કોઈ

જગાએ, અડક્તરાતી, વર્તુળાર્ધમાં, દોડી જાતી, અને ધુમાડો, તડકામાંથી,

વિધવિધ રંગે, બહૂ ચળકતો, કુંડાળામાં, ઊંચે જાતો, જોવું ને, ક્રમે સુરંગો,

ઘન અંધરાયે, ફુટતી ગંભિર, ઝરણો છણ છણ, કરતાં સુણવાં, સંધાંથી,

વિસ્મય પામી, કુદરતકેરાં, વખાણ ઝાઝાં, કરતાં કરતાં, કોણ નહીં રે, થઈ

આનંદી, લ્હેર લ્હેરમાં, આંખ મીચીને, ડોલે ડોલે!

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023