દલપતરામ
Dalpatram
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત)
દેવી દેવ સમાન માનવિ દિસે, વૈમાન શાં વાહનો,
શોભા સુંદર મંદિરોની નિરખી, મેળો મહોત્સાહનો;
શું હું જાગ્રત છું જરૂર ઉરમાં, કે સ્વપ્નની વાત છે,
સાચું મુંબૈ નામ આ શહર છે, કે સ્વર્ગ સાક્ષાત છે.
(વસંતતિલકા વૃત્ત)
મુંબૈ શહેર શુભ સાગર તીર જોયું,
જોતાં મનોહર દિસે મન મારું મોહ્યું;
લક્ષ્મી તથા વિવિધ વૈભવથી ભરી છે,
જાણે ધરા ઉ૫ર ઇંદ્રપુરી ધરી છે.
મુંબૈ વિષે સુજન વાસ ઘણા કરે છે,
જે પારકાં દુખ સદા દિલમાં ધરે છે;
જાણે રુડાં નિધિતણાં નર રત્ન એજ,
જેનું જણાય જગમાં જશ રૂપી તેજ.
મુંબૈ વિષે બહુ સ્ત્રિઓ અતિ રૂપવાળી,
એવો વિચાર, ઉપજે ભલિભાત ભાળી;
દેવાસુરે નિધિની એક રમા ઉધારી,
આ તો અનેક કમળા કહિંથી પધારી.
વ્યાપાર સિંધુ પથનો જન જે કરે છે,
તે લક્ષ્મિનો અધિક લાભ અલભ્ય લે છે;
તેનું વિશેષ વળી કારણ એક આ છે,
લક્ષ્મી સદૈવ શુભ સાગરની સુતા છે.
ઉદ્યોગ એક વળી ઈશ્વરની કૃપાથી,
બેથી મળે કદિ ન ઉદ્યમ એકલાથી;
નાવીક લોક પણ નિત્ય સમુદ્ર સેવે,
તે હોય છે તદપિ હાલ હવાલ કેવે.
1. ધરા = ખરેખર અહિં (પાં.આ.), 2. ધરા = પૃથ્વી, 3. રૂપવાળી = દિસતી રૂપાળી, 4. રમા = લક્ષ્મી.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
