કલાપી
Kalapi
મેં બાપડું રમકડું કુમળું ઉછેર્યું!
આ પ્રેમના હૃદયનો રસ પાઈ પોષ્યું;
પારેવડા સમ હતું બહુ ભોળિયું એ,
ને ગીતડું પ્રણયનું મુજ બાલુડું તે!
મારી પ્રિયાહૃદયનું ફૂલડું હતું એ
પ્રીતિ તણું મન હતું, સુખિયું હતું તે;
પોઢ્યું હતું મુજ કને દિન એક કાલું -
સૌએ રડી કળકળી ફૂલ તે ઉપાડ્યું!
લોકો કહે 'મરી ગયું, સમજ્યો ન હું તો,
ચાલ્યાં લઈ કુસુમ પાછળ હુંય ચાલ્યો;
જેને કહે જન 'સ્મશાન', તહીં ગયાં સૌ,
મારી પ્રિયા પણ હતી જનસાથમાં ત્યાં.
ત્યાં કાષ્ઠના ઢગ પરે ફૂલ તે સુવાડ્યું!
લોકે કહ્યું 'શબ' ભલે, 'ફૂલ' મેં કહ્યું'તું;
મેં તો કહ્યું, 'અરર! ભાઈ, જરાક થંભો,
આ લાડકું કઠિન અગ્નિ વતી ન બાળો!
રે સાંભળો!' પણ તહીં ભડકો ઊઠ્યો શું!
મૂર્ચ્છા તળે દુઃખ ભૂલી ધરણી ઢળ્યો હું;
તે ક્રૂર સૌ જન ગયાં નિજ ઘેર ચાલ્યાં,
આ એક જે મુજ હતી, રહી પાસ તે ત્યાં.
હું તો ઊઠ્યો, સળગતું મુજ કાળજું'તું,
ઢૂંઢ્યું, ન તોય નજરે મમ પુષ્પ આવ્યું;
ત્યાં દૂર વૃદ્ધ અવધૂત હતો ગુફામાં,
તેણે સુણી રુદન, આવી મને કહ્યું આ :-
'તારું ગયું કમલ મૃત્યુ તણે બિછાને,
ત્યાં સૌ જશે; જગત તો ભ્રમછાબડું છે;
આ પ્રેમ શો? રુદન શું? દુઃખદાહ શાને?
તું કોણ? તે સમજ, બાપ, જરા ઊભો ર્હે
તારું ચીરે હૃદય વ્યર્થ રડી રડીને,
તારું ગયું ન મળશે કદી પુષ્પ, ભાઈ!
સ્પર્ધા કરી જલધિ વ્યોમ ભણી કૂદે છે,
ને સૂર્ય આ લઈ ગ્રહો ફરતો ફરે છે.
આવા અનેક ઉદધિ ઊછળ્યા કરે, ને
બ્રહ્માંડમાં રવિ મળી અણુ શા ઊડે કૈં;
અસ્તિત્વ એ સહુ તણું નહિ હોય કો દી
કો દી હશે નભ બધું પરિશૂન્ય આ તો!
તોયે હતાં સહુ જ તત્ત્વ રૂપાન્તરે આ,
કોયે નવું નથી થયું : નવ થાય કાંઈ
કો દી વળી, પ્રલયનો સહુ ભોગ થાશે,
ત્યારેય બીજરૂપમાં સહુ આ સમાશે!
ત્યારેય ન્યૂન રતિભાર નહીં થવાનું,
ને કાંઈયે અધિક હાલ નથી થયેલું;
દોરાય કો ગતિ અનન્તથી વિશ્વ આવું,
ચીલો પડેલ પણ રાહ તણો દિસે ના!
તે માર્ગનાં પથિક તોય બધાં દિસે છે,
છે મૃત્યુ, જન્મ, જીવવું, સહુ ભાસ માત્ર;
તો મૃત્યથી રુદન, જન્મથી હાસ્ય શાને?
વૈરાગ્યમગ્ન રહી આયુ ન ગાળ શાને?'
તે દિનથી મન વિરાગ ધરી રહ્યો છું,
ને તાહરું સ્મરણ, મૃત્યુ! કર્યા કરું છું;
તું શાન્તિનું ભુવન છે, દુઃખ-અન્ત તું છે,
પ્રેમે બળેલ દિલનો મધુકાલ તું છે!
તું હાસ્ય છે રુદન કે હૃદયાગ્નિ રૂપે,
ને અશ્રુના ઝરણમાં સ્થલ જ્ઞાનનું છે;
તારાં સુખી ચરણમાં સહુ ઘોર ઊંઘે,
તોયે તને મનુજ કો કદીયે ન જાણે!
અન્ધાર તું, જગત જે કદીયે ન જોશે,
અંજાય વા નયન સૌ, બહુ દિવ્ય તું છે;
જ્યાં સૌ રડે, ખડખડી કર હાસ્ય ત્યાં તું
તારું અધિપતિપણું સહુ કાલ ચાલે!
રે ભાઈ મૃત્યુ! ગત કાલ બધો જ તારો,
ભાવિ તણા તિમિરમાં ઊજળો તું દીવો :
તું, હું, પ્રિયા મુજ, સહોદર શાં રહેશું,
તે મિષ્ટ કાલ સુધી સાચવ બાલ મારું!
સ્રોત
- પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : અનંતરાય મ. રાવળ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 2004
