નર્મદ
Narmad
(દોહરા)
રૂડો છોડ મોગરાતણો, રોપાયો મુજ ઘેર;
જડ બાઝી ગઈ સ્હેજમાં, જેમ પ્રીતની પેર.
દેખાઈ બેત્રણ દિને, કળી ઝીણિ ત્હાં એક;
માંજરમાં ઢંકાયેલી, શૂ કહું તેનો ટેક.
પછિ બીજે દીને દિઠી, ફુલકળિ ઝીણી છેક;
પીળાસવાળી ધોળિ તે, લહૂં ગૂટિકા નેક.
વજ્ર તંતુ બાજૂ ઉપર, કુમળા તોંય ટટાર;
વચમાં નીચે કળિ દિપે, ઊપર ખુલ્લું સાર.
એવી રીતે રાજતી, ફુલકળિ એક જ જેહ;
મોટા લીલા છોડપર, આશામદમાં તેહ.
લહું મુગ્ધાસ્તન દીટિ તે, જોઊં વારંવાર;
રમાડવૂં નવું બાળકૂં, ગમે ન કોને યાર?
અરે કળી તું ફુલ બની, આપિશ ખૂબ સુવાસ;
ધન્ય ધન્ય તુજ જન્મને, રખે કરે નીરાસ.
કુદરતનૂં કહેવાય નહિં, બને સ્હેજ નિસ્તેજ;
તેજ પાણિ વાયૂ ભુમી, એ પર સહુનો પેજ.
તોપણ આશા સર્વને, કળી તું ફૂલિશ કાલ;
વાસ લઈશ હૂં તાહરો, હશે અંશિ જો વ્હાલ.
ધન્ય ફૂલ તૂં અમર છે, તુજ આકાર સુહાય;
ઘાટઘાટના ભાગને, તારૂં નામ અપાય.
કોઈ બાગ પણ તૂં વિના, ખીલ્યો નવ કહેવાય,
તૂં જહાં પસર્યો ત્હાં ખરે, વાડી નામ ભણાય.
બાળકને વાડી ભરે, માથા ઉપર જેહ;
કેવાં શોભે તુજ વડે, બ્હેક બ્હેક થઈ રેહ.
ચંપો શોભીતો ઘણો, પણ ન વાસ સંખાય;
ગુલાબ રંગે રાજતો, વાસ ન પૂરો વાય.
બટ્ટહજારી તૂજમાં, રંગ ગંધ બે સ્હોય;
ઊનાળામાં ને વળી, ચોમાસામાં હોય.
અંધારાંમાં તુજ કળી, તારા સમ શોભાય;
પ્રવાસમાં ફુલવાસથી, રસ્તો સ્હેજ કપાય.
વિલાસમાં જે ફૂલડાં, ઉદ્દીપન કહેવાય;
તેમાં મુખિ તૂં મોગરો, શૈયા પર પથરાય.
જોગી જંગલમાં અને, ફકીર વસ્તી બહાર;
મઠ તકિયાનિ પડોસમાં, ઊછેરે છે યાર.
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 168)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
