mithi kavita me tujsu, puran bandhi preet - Metrical Poem | RekhtaGujarati

મિઠિ કવિતા મેં તૂજસૂં, પૂરણ બાંધી પ્રીત

mithi kavita me tujsu, puran bandhi preet

નર્મદ નર્મદ
મિઠિ કવિતા મેં તૂજસૂં, પૂરણ બાંધી પ્રીત
નર્મદ

મિઠિ કવિતા મેં તૂજસૂ, પૂરણ બાંધી પ્રીત;

સૂખ આ૫ દુખ આપ વા, હૂં ત્હારે વશ નીત.

મિઠિ કવિતા હૂં તાહરાં, રોજ ગાઉં ગુણગીત;

ઝાંખિ કરી હૈડે પુજૂં, જહાં લગિ મનમાં વીત.

મિઠિ કવિતા ઈશ્વર થકી, ભય દુખડાં ન ખચીત;

નિભાવ જહેવૂં દાખવે, પ્રોવાયૂં મુજ ચીત.

મિઠિ કવિતા વીજોગની, આડિ પડે કદિ ભીંત;

ક્ષણ વિસરૂં નહિં તૂજને, ખરા પ્યારની રીત.

મિઠિ કવિતા ગમતી મને, અવર વાતની છીત;

પ્રેમ પરસ્પર સત હશે, મળશે મનવાંછીત.

મિઠિ કવિતા ગુણ તાહરા, કહાડે તનમન પીત;

જીતી લીધો તેં ખરે, હૂં તો હતો અજીત.

મિઠિ કવિતા તૂં સમજજે, મુજને આજ્ઞાંકીત;

થઈશ થયો છૂં તૂં થકી, જગમાં નામાંકિત.

મિઠિ કવિતા હૂં તૂજપર, રાખૂં રીસ કવચીત;

માફ કરી કરજે ધિરો, ગાઈ ગીત કવીત.

મિઠિ કવિતા બીજા ભણે, થાઉં વેરિ નહિં શીત;

યોગ્ય હોઉં તો રાખજે, મુજ પર પ્યાર અમીત.

મિઠિ કવિતા સંકટ સમે, કર ઉપાય ઊદીત;

શત્રુ શીર પર ચાલતો, કર છઉં નીરાશ્રીત.

મિઠિ કવિતા વણ વાંક જો, કરિશ મને વર્જીત;

ઘર છોડી રખડ્યા કરૂં, ઘેલો થઈ અતીત.

મિઠિ કવિતા હૂં તૂજથી, થયો છઊં નવનીત;

પથ્થરરૂપે રહિ વળી, કરતો કામ અનીત.

મિઠિ કવિતા મુજસૂં જડી, કુંદન નંગ જડીત;

પંડિત પ્રીછે મુરખ ના, પ્રીતિ રહે મંડીત.

મિઠિ કવિતા તુજ વ્હાલને, જોઈ થયો વિસ્મીત;

ભાવીનો કરૂં શોક શૂં, થશે હશે સર્જીત.

મિઠિ કવિતા મન તાહરૂં, રોજ કરૂં પીડીત;

બદલામાં ખુશ રાખતી, પ્યાર ન કરે ચળીત.

મિઠિ કવિતા છે તાહરી, સુંદર જાત લલીત;

કે દી જોઈશ તૂજને, થયેલી પ્રફુલ્લીત.

મિઠિ કવિતાસૂ દેખતાં, ચમકે ચિત્ત તડીત;

કહારે પડશે પાણિ કે, સુખથી સુઊં નચીંત.

મિઠિ કવિતા ઉત્તમ સુઘડ, હું તો હીણ પલીત;

ચતુર ડાહિ ને ધર્મિ તૂં, હું તો મૂઢ પતીત.

મિઠિ કવિતા કરવીશ મા, કોઈ કાજ અઘટીત;

ગુંચવણમાંથી કહાડજે, કરવિ કાજ નિયમીત.

મિઠિ કવિતા મા બ્હેન રે, બેટિ વહૂ શોભીત;

નીતિલાડમાં રાખજે, રોજે જ યથાસ્થીત.

મિઠિ કવિતા રસમાં પુરી, કરતી જો વિપરીત;

ધન નર્મદનૂં અહિં તહીં, ખરે કરે બહુ હીત.

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ