matrusneh - Metrical Poem | RekhtaGujarati

(વસંતતિલકા)

ખેલી શિકાર દઈ મ્હેતલ સાથીઓને

પેઠો હુંયે હસળતો મુજ શાંત કોઠા;

ઘેરા અશોક વડ નીમ ચમેલીઓના

છાયા તળે તર થતો પળું મંદ મંદ.

વાંસે રહ્યા હય રાવત વાત ગેલે

ને દોડતો વિરમતો લઘુ ફાળ લેતો,

જાતો ધસી તરુ મહીં, વળતાં ક્ષણમાં;

સ્વચ્છન્દમૂર્તિ મુજ કેસરી, સાર્થનામ,

કુત્રો શિકારી મુજ આગળ ચાલતો'તો;

રસ્તો હતો સુભગ વાંકવળાટવાળો,

ડાળો અસંખ્ય મળતી હતી સામસામી;

મધ્યાહ્નનોય નહિ તાપ અહીં દમન્તો,

ને ડોકિયાં પ્રતિ પદે ધરતો કરન્ત;

દેખાવ શાંત સુખરેલ હતો રમ્ય.

જૂના જૂના મય સમો શ્રમખેદહર્તા,

ને લેશ ન્હોતી ગમ કે બસ આજ સંધિ

દૈવે હશે વૃત અહીં બતાવવાને,

વાત્સલ્યનો વિભવ અદ્ભુત સૃષ્ટિમાંહી.

લાંબા પ્રસારી પગ ઉપર ડોક ઢાળી,

જોતો વા લગિર કેસરિ અર્ધનેને.

ત્યાં સંમુખે ડગ પચીસ જોઈ કૈંક,

જાગિયો ઝબકિયો બનિયો શિકારી.

ચિત્તાથી મોટ ઉર કાંધ ફૂલ્યાં પ્રૌઢાં;

આકૃષ્ટ બંકિમ તગી રહી ડોક ઊર્ધ્વ.

મ્હોરો બન્યો તડિતતીક્ષ્ણ, ગઈ ઊડી તે

લીલા બધી પલકમાં, પગલા અરે

ટૂંકાં બિડાલગતિ નીરવ મન્દ દેતો.

જોયો શિકાર કંઈ એમ નિહાળું ત્યાં તો;

સામે પચીસ ડગ દૂર માર્ગ મધ્યે

પર્ણો તણી ઢગલી ઉપર જોઉં સાફ

બચ્ચું બિચારું ઊડવા હીંડવા અશક્ત,

પીંછા તણું લઘુ ગોળ, સુંવાળું પોચું,

બારીક ચંચુ થકી સૂર કરન્ત ઝીણા.

ઊંચે જોઈ રહી જ્યાં દ્વયડાળ સાંધે

માળો બખોલ મહીં, જેહ થકી ગરેલું,

ને જ્યાં હતી પ્રતિસુરો રટતી જનેતા.

વાધી જઈ કદમ કૈંક બિડાલ-ચાલે

કૂદ્યો અધીર બની કેસરી ફાળ લેતો;

મેં વારવા કરી સિસોટી, પરંતુ ક્યાંથી

છૂટ્યા પછી પણછથી અટકે તીર!

બીજી પળે બચલું થઈ જાત ભક્ષ્ય,

ત્યાં ધાઈ ઝટ્ટ પડી ઉપરથી જનેતા,

ને કેસરી તડિતતીક્ષ્ણ ભરે છલંગ

છેલ્લી, ત્યહાં ગજબ શૌર્યભરી ધસન્તી

એણે અફાળી નિજ જાત કરાલ મોંમાં!

ક્યાં કેસરી ગિરિ સમો, અસિદન્ત જોદ્ધો

ચિત્તા વરાહ સહ આથડવા સમર્થ,

ક્યાં પંખિણી ગભરુકાય, સમીરગાત્રી,

સોહામણી પર-થરે, પ્રિય મંજુ કંઠે!

શૂરી તથાપિ ધસીને ત્રણ વાર પેઠી.

દંષ્ટ્રા ભયાનક સિંહ, મુખફાડ એમાં,

ચંચુ, નયન, એહ વીંઝાતી પાંખો,

તાર ચીસ, સઘળું ધસાર ત્રીજે,

નિષ્પ્રાણ નિશ્ચલ બની પડિયું ભૂમિમાં

માળો તજી અભય કૂદી આવી જાતે.

વેરી કૃતાન્ત થકીયે ડરી લગાર,

જશે જીવ લહીને પણ દીધ જીવ;

જોતાં સ્થિતિ પલ મહીં ભય રવાર્થ જીતી

સર્વોપરી ગણીને નિજ વત્સરક્ષા.

માતાતણી પ્રણયોર્મિ વિષે તણાઈ.

અદ્ભુતાનુભવ કેસરીનેય સાલ્યો,

માતા અરે શિશુ વિશેય બની વિરક્ત

નીચે મુખે વિકલ મુજ પાસ આવ્યો.

માતાતણાં ફુલ પરે પર લેઈ લીધાં

થાશે અખંડ અમરાકૃતિ સજેલી;

માતાતણા અકથ ત્યાગ તણી કથા તે

કાચે વસી અવદવીય સંદૈવ ગાશે,

વેગે ધસન્ત જનની બચલે સુણી'તી,

ભૂમી પડી અવશ તે નીરખી શું એણે?

કુત્રો નર્યો યમ અમોઘ પ્રીછ્યો શું એણે?

ને તોય કેમ ઊગર્યું, લહ્યું તે શું એણે?

તો હતું નિજ સૂર ઝીણા કરન્તું,

મેં પર્ણ સાથ ઉચલી લઈ લીધું એને;

ઝાલી રહ્યો ઉર કને વધુ હૂંફ દેવા

ને કીધું શાંત અતિ નાજુક મન્દ સ્પર્શે.

સામે ત્યહાં પગથિયે રમતી ગુલાબ,

દેખી ધસ્યો હરખી કેસરી દોસ્ત દાવે;

છોડીય બાપુ ભણી ધાઈ ઉમંગ-ઘેલી,

બાંહ્યે મૂકી પગ ચડી જઈ બેઠી સ્કંધ;

ને જોઈને બચલું બોલી. 'દિયો મને એ.'

'પેલું સુરેખ લટકે, પણ ખાલી તેથી

લાગે પંજર રૂડું. રચી, બાપુ, તેમાં

માળો સુનાજુક સુરક્ષિત રંગરંગી

ઉછેરું મ્હૈં બચલું એની બની જનેતા.'

ગુલ્બી, અરે ઉતર, થા જરી ચૂપ-ડાહી,

ફક્ત પંખિણી નહીં, હતી પંખી કાયે

દેવી મહા અતુલ શક્તિમતી કોઈ

હિંસાત્મ દૈત્ય પશુ કેસરીયે જિતાયો.'

'એ માત દેહ ત્યજતાં નિજ બચ્ચું હુંને

સોંપી ગઈ, - નહિં પંજર પૂરું તેને.

સ્વાતંત્ર્ય જીવન થકીય વિશેષ બેટી,

માતે ઉગાર્યું નવ પંજર હેડ કાજે?

પાંખો ફૂટે ડિલ ખીલે, રમ ત્યાં લગી તું,

એને ઉછેર ભગિની સમ ત્યાં સુધી તું :

મોટું થતાં ગરજ એની પતી જશે એ,

મોટું થતાં જ, ગુલ, દૈશું ઉડાડી એને.'

'બાપુ, ભલે. હું પણ મોટ થઈશ ત્યાં તો :

આજે દિયો; પછી થશે પછીની વાતો.'

રસપ્રદ તથ્યો

મય – દારૂ, પર –પીંછાં, ફૂલ – અવશેષરૂપ રહેલાં હાડકાં

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941