મર્દ
mard
નર્મદ
Narmad
નર્મદ
Narmad
(રોળાવૃત્ત)
મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;
કનક કામિની તજી, સજી રણમાં જઈ મા'લે.
મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી;
હોંસે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.
મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે;
ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે.
મર્દ તેહનું નામ, સિંગથી શૂર વધારે;
તો૫ ભડાકા કરે, તેમ તે ધસે પુકારે.
મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.
મર્દ તેહનું નામ, લોહીની નદીઓ દેખી;
ધડ માથાને હાડ, કાંપતો નહિ જે ટેકી.
મર્દ તેહનું નામ, સાથી સામું નવ જોએ;
જુક્તિ સાથ બળથકી, લડતો રૂડો સોહે.
મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી;
પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને હ્યાંથી.
મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું;
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.
મર્દ તેહનું નામ, દેશી સારુ લડી મરતો;
જુગ જુગ જાગે જાગ, નામ પોતાનું કરતો.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 133)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
