Mara Kusum - Metrical Poem | RekhtaGujarati

મારાં કુસુમ

Mara Kusum

સુન્દરમ્ સુન્દરમ્
મારાં કુસુમ
સુન્દરમ્

જ્યારે મારાં કુસુમ વિકસ્યાં, હૈયું તેના પરાગે

એવું ડૂબ્યું, જગતભરના રાગ ફિક્કા બન્યા સૌ;

જ્યારે મારા પ્રણય વિકસ્યા, જીવને જાગ જાગ્યા

એવા રૂડા, અખિલ નભના દ્યોત ઝાંખા થયા સૌ.

કિન્તુ, પુષ્પો-પ્રણય મુજ સૌ ચીમળાયાં, ખર્યાં હા,

ને ધા નાખી મુરછિત થઈ જિન્દગી ભોં ઢળી ત્યાં.

સન્ધ્યા વીતી, રૂમઝૂમ સરી રેણ માઝમ રૂપાળી,

જાગી આંખો, અસિત નિશિની ભવ્ય લીલા લસી શી! –

ને મેં મારાં કુસુમ નીરખ્યાં તારકો થૈ હસંતાં,

ને મેં મારા પ્રણય પરખ્યા હૈયે હૈયે લસંતા.

સ્રોત

  • પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004