Manvi Manav - Metrical Poem | RekhtaGujarati

માનવી માનવ

Manvi Manav

સુન્દરમ્ સુન્દરમ્
માનવી માનવ
સુન્દરમ્

પૃથ્વીઉછંગે ઊછરેલ માનવી

હું માનવી માનવ થાઉં તો ઘણું.

અનન્ત વિશ્વે લઘુ બિન્દુ પૃથ્વી

પરે હું ચૈતન્ય તણો જ બિન્દુ

ચૈતન્યશાળી થઈ ચેતનાનો

પ્રવાહ સીંચું જડમાં ઘણું તો.

આ દેહ પે પાંખ ઉગાડવી ના,

આ ખોબલે સૃષ્ટિ ઉછાળવી ના,

અમાનુષી શક્તિ જ જાચવી ના.

દિક્કાળનાં સર્વ પેટાળ ભેદી

નેપથ્ય સૌ સ્થૂલ તણા જ છેદી,

સૂર્યો તણી જોઈ નિહારિકાઓ

આ આંખ પે પાંપણ બીડવાની.

ઊડી ઊડી આભ તણા ઊંડાણે,

સમુદ્રનાં ગહ્વરના પટાળે,

ભમીભમીને પગ ઠારવા તો

ને શ્વાસ લેવા અહીં આવવાનું.

કીકી ક્યહાં આ, ઉડુમંડળો ક્યાં?

ક્યાં પાય આ, ક્યાં જ દિગન્તરાળો?

આ દેહડીની રજશી ભુજામાં

આ ઊંડળે આભ સમાય શાનું?

આ પંચતત્ત્વે ઘટડો ઘડાયો,

જે માનવી અંગ મને મળેલાં

સાર્થક્ય તે અંગ થકી જ સાધું

આ જિન્દગીનું, અહીંયાં ધરા પે

ચાલી પગેથી જ ઉકેલું ભેદો.

વસુન્ધરાને ઉર શીર્ષ ઢાળું,

અંગાંગ એનું સઘળું નિહાળું.

આ વિશ્વનો અંશ જ જો ધરા તો

કને તજી દૂર જ કેમ ઘૂમું?

ધરા તણો અંશ જ પિણ્ડ આ તો

બ્રહ્માણ્ડ આ પિણ્ડ વિશે જ ખોળું.

છે વિશ્વ મારા હૃદયે સમાયું,

શ્વાસે ભર્યો મેં જગપ્રાણવાયુ,

આંખે ભર્યા સૂર્ય તણાં પ્રકાશો,

દેહે બધા દેવ તણો જ વાસો;

પરમાણુમાં સર્વવ્યાપી સમાયો,

આ બુદબુદે ચેતનઅબ્ધિ માયો.

આ વૈખરીથી જ અગમ્ય ગાયો,

આ સ્થૂલમાં સૂક્ષ્મતમે વિલાસ્યો.

રે, સૂક્ષ્મથી સ્થૂલ પ્રકાશ પામ્યું,

નિશ્ચેષ્ટથી ચેષ્ટિત સર્વ જામ્યું,

રે, સ્થૂલ ને ચેષ્ટિતને ઉપાસી

અતીત તે સૂક્ષ્મ મથું હું જોવા :

મારા પદે આ પડી મૃત્તિકા જે

તે ખોબલે લૈ મસળું, નિહાળું,

કણેકણે ત્યાં સ્ફુરતી શું વાણી :

આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી

એ પાંચની પંચવટી સમાણી

આ ખોબલામાં, કણ આ સમાથી

હિમાલયો કૈં પ્રગટ્યા ઊંચેરા,

ખંડો રચાયા પણ આ કણોથી,

સમુદ્ર પૂર્યા પણ એહ પાત્રે,

ને જીવસૃષ્ટિ સ્ફુરતી અહીંથી;

આ મૃત્તિકાના કણમાં દટાઈ

તૃણાંકુરો, પુષ્પની વલ્લરીઓ,

વૃક્ષો તણાં જંગલ, ઔષધિઓ,

અનેક ધાન્યો, ફળ પુષ્ટ કૈં કૈં

ઊગે, ફૂટે, પાંગરતાં, ફળંતાં,

એ સર્વથી આ નિજ દેહ પોષતી

કીટાદિથી માનવની સુધીની

આ જીવસૃષ્ટિ સ્ફુરતી નિહાળું.

આ ખોબલામાં કણ માટીના, ને

સૌ ન્યાળતી આંખ તણા જ તારા,

એ બેય રે એક જ શું ખરે રે?

ને માહરી ચિત્તકણી સ્ફુરે રે :

ફૂંકે ઊડંતા કણ આ જ ક્યાં ને

ક્યાં ભેદતી આંખ દિગન્તરાળો?

નિશ્ચેષ્ટ માટીકણ આ પડેલા,

સચેષ્ટ મારા કણ આ બનેલા,

નિશ્ચેષ્ટને વાયુ જગે વિખેરે,

સચેષ્ટ મારા કણ હું વિખેરું

નિશ્ચેષ્ટથી ચેતનધાન્ય ઊગે,

સચેષ્ટથી હુંય કંઈ ઉગાડું.

જે જે કણોથી ઘટ આ ઘડાયો,

પાછા દઉં તે સઉ વ્યાજ સાથે,

મારું અહં પોષું કદી ન એથી,

ન સ્વાર્થનાં મંદિર બાંધું એથી,

નિશ્ચેષ્ટ ને ચેષ્ટિત જે કણો તે

આ ભૂમિ મારી, મુજ ભાંડુઓ જે

તે કાજ આ સૌ કણ દૌં વિખેરી,

વીંટા દઉં સૌ ઋણના ઊભેરી.

વિકાસ કેરા ક્રમમાં વધંતાં

કીટાદિથી માંડી મનુષ્ય થાતાં,

જે ખોળિયું પામું ન તેહ નિંદુ.

તેના જ દ્વારા કરું કાર્ય સંધું.

આજે પડ્યો માનવદેહમાં હું

સંપૂર્ણ થાવા જ મનુષ્ય ઇચ્છું.

આ ચેતનાના કણ કાજ આંહીં

પ્રકાશવાની ઘણી કાલિમા છે,

હજી ઘણાં ભૂતલ ખેડવાનાં,

હજી ઘણાં જંગલ વીંધવાનાં,

હજી ઘણા અદ્રિ ઉલંઘવાના,

હજી ઘણા સાગર માપવાના,

ભૂગર્ભ છે કૈં હજી ભેદવાના,

હજી ઘણાં છે રણ સીંચવાનાં,

હજી ઘણી રાત્રિ ઉજાળવાની,

દિનો ઘણા છે હજી ઠારવાના,

રે, ધુમ્મસો કૈં છ ઉડાડવાનાં,

રે, આતશો કૈં છ જલાવવાના,

હિમાદ્રિઓ કૈંક પિગાળવાના,

જ્વાલામુખી કૈંક શમાવવાના.

વિકાસની દિક્ નિત મોકળી હ્યાં,

હ્યાં સત્ત્વ ઉચ્ચોચ્ચ ખિલાવવાના

નિઃસીમ છે કાર્યપટો બિછાવ્યા.

આ ભૂતલે જે પુરુષાર્થગંજ

તે એક શું કિન્તુ અનેક જન્મો

મનુષ્યનાથી પણ ના ખૂટે રે.

શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી,

મનોવિધાત્રી, મુદૃપ્રાણદાત્રી,

હૈયે ઊઠંતા સહુ ભાવ કેરી

આ માનવી ભૂમિ જ કામધેનુ,

ભૂગર્ભરત્ના વસુધા જનેતા

તજી ક્યહાં હાલ જવા ન ઇચ્છું.

આ ચેતનાનો કણ જાળવી હું

અમાનુષી દાનવતાપ્રવાતે

બુઝાઈ જતો હું લઈ બચાવી,

એ ચેતનાને અધિકાધિકં હું

પ્રજ્વાળવા ઇચ્છું અહીં અહીં જ,

આ ભૂમિમાં, માનવદેહ માંહે

પુનઃ પુનઃ પ્રાર્થું હું જન્મ મારો.

ને આમ ઉત્ક્રાન્તિપથે પળંતો

હું માનવી ચિત્ચણગાર ઝાઝો

જ્વલંત થાતો કંઈ કાળઅંતે

નિર્ધૂમ્રજ્યોતિ થઉં શુદ્ધ આત્મા,

ભલે ભલે તો, પરવા પરંતુ

સુદૂર એ ભાવિ તણી હજી ના.

આજે અહીં ભૂતલ માંહી જન્મ્યો

મનુષ્યદેહે બસ ઇચ્છું આટલું :

આ અલ્પદેહે પ્રભુની પ્રતિષ્ઠા,

સ્થપાયલી શાશ્વત સત્યનિષ્ઠા,

સત્કાર્યદીક્ષા હૃદયે બલિષ્ઠા

ધરી મથંતો હું મરું ઘણું તો.

અનંતનો દીપકવાહી હું આ

અકલ્પ્ય પંથે પળનાર હું જે

મનુષ્ય જન્મ્યો, મરતાં સુધી હું

'હતો ખરો માણસ' હું બની રહું;

જ્યાં પાય મારા તહીં શીશ મારું,

જ્યાં દેહ મારો તહીં હૈયું મારું.

વસુન્ધરાનું વસુ થાઉં સાચું,

હું માનવી માનવ થાઉં તો ઘણું.

સ્રોત

  • પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004