manmathno jawab - Metrical Poem | RekhtaGujarati

[પૃથ્વી]

મને સહુ કાં કહો?

રમાડી યુવતી યુવાન ભરમાવું હું એમને,

પ્રલોભન જૂઠાં દઈ વચન, મંતરી, તંતરી,

ફસાવી અણજાણ મુગ્ધજન પ્રેમના પાશમાં,

અયોગ્ય રચું જોડીઓ, વિરચી જોડીઓ તોડું હું,

અશક્ય જન સાંધું, છોડું નહિ છેક બુઢ્ઢાય તે,

ધકેલું જનને હું કેવલ અઘોર નૈરાશ્યની,

વિના અવધિની, વિના તલની, ઘેરી ગર્તામહીં,

થવા જહીંથી છૂટકો મરણ માત્ર ઝંખે જનો!

શું બધુંય હું કરું છું? શું અન્ય ક્ષેત્રો વિશે

કરો નિજ વિનાશ? અંધ થઈ, સંશયગ્રસ્થ થૈ,

ઊભી કરી અનેક ગેરસમજો, જૂઠા સ્વાર્થથી,

ચડી, વીફરીને હજાર હજાર હોમાઓ ના

પ્રયોજન વિના, સ્વયં લડી લડી મૃત્યુમુખે?

મને ક્યમ સૌ કહો?

મનેય નથી દેખવા તમથી ભિન્ન કો ચક્ષુઓ,

રહ્યો મનુજની ઉપાધિ મહીં ને હું સીમા મહીં,

છતાંય સહુ વિશ્વનાં બલમહીં હું નિશ્ચે જો

અનિષ્ટતમ, તો રહ્યું, હું ક્ષણ જાઉં લ્યો -

તહીં ‘નહિ, નહીં નહીં', ઊચર્યું વિશ્વ નિ:શ્વાસથી.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012