manDwi - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સીતા ના બની રાણી તોય પતિની છાયા મળી સાન્ત્વની,

મારે તેય રહી નહીં, હૃદય સીમા સંતાપની;

તું તો ગૌરવ-અન્વિતા જીવનના આરંભથી ત્યાગની,

મારા કમભાગ્યથી સદય અશ્રુ હશે સારતી!

મારે રાજ્ય-તપોવને અવનવા તાપો તપી જાણુવું,

જોગીને નવ ઝંખના જગવવી, જોવું, નહીં માણવું,

દુઃખી છું પણુ દુઃખ કેમ થવું? કયાં કેમ ઉચ્ચારવું?

ઓષ્ઠે હાસ્યઅમી, ઉરે દુઃખ ભરી, મારે સદા મહાલવું!

ઊર્મિલા દુઃખ ભોગવે પણ ઉરે સંતોષ મોંઘો ભરે,

સેવે નાથ સ્વબન્ધુના ચરણને તે ચિત્ર ચિત્તે ધરે;

મારે, કારણ કષ્ટના બની વ્હીલા વૈરાગી જે વેગળા,

પૂજે પૂજ્યની પાવડી, નયનથી તે ચિત્રને પેખવાં.

તારે ઘોર, અરણ્યનાં ભર્યાં કષ્ટો સહુ વેઠવાં,

તેથી કષ્ટ વધુ મને, પ્રિય તને સંતાપ-હેતુ થતાં;

તો યે યાચું વિનમ્ર થૈ વડિલથી નિર્ભીક હૈયે સદા,

આવીને અવધે પૂરી અવધિએ સંતોષ આપો હવાં!

સ્રોત

  • પુસ્તક : સોણલાં (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : જયમનગૌરી પાઠકજી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1957