દલપતરામ
Dalpatram
(ઉધોર છંદ)
મન તું મૂર્ખ ચાળા મેલ, ખટપટ ખેલમાં શિદ ખેલ;
ધર તું ધરણિધરનું ધ્યાન, મન તું મારિ શિક્ષા માન.
ઘડવા મેલ અઘટિત ઘાટ, વિચર સદૈવ સારી વાટ;
ગુણ ગોવિંદના કર ગાન, મન તું મારિ શિક્ષા માન.
ભટક્યો ભવ વિષે બહુ ભાત, લંપટ ખાધિ તેં ઘણિ લાત,
ફરિને કરિશ નહિ તોફાન, મન તું મારિ શિક્ષા માન.
લાખો તેં કીધા અભિલાખ, રહિ તુજ હાથમાં તો રાખ;
કહું તે કથન ધરજે કાન, મન તું મારિ શિક્ષા માન.
સજ તું સૃષ્ટિપતિશું સ્નેહ, તજ તું તર્ક જુલમી જેહ;
ભજ તું ભાવથી ભગવાન, મન તું મારી શિક્ષા માન.
અગણિત કર ભલે ઉપાય, ધાર્યું ધરણિધરનું થાય;
ગુણિયલ થૈ સમજ શુભજ્ઞાન, મન તું મારિ શિક્ષા માન.
વીત્યાં વર્ષ લેખિ વિચાર, વિતતાં કાંઈ ન લાગી વાર;
અવસર આવશે અવસાન, મન તું મારિ શિક્ષા માન.
ભ્રમણામાં ભમ્યો ભરપૂર, આશા અધિક આણી ઉર;
ન સર્યો અર્થ વ્યર્થ નિદાન, મન તું મારી શિક્ષા માન.
કદિ તેં મેળવ્યું ધન ક્રોડ, જીત્યો જગતશેઠનિ જોડ;
સાચું અંત તો સમશાન, મન તું મારિ શિક્ષા માન.
લીધો લેશ તેં નહિ લાભ, દુઃખના ઉગિયા શિર ડાભ;
જો તુજને થયું બહુ જાન, મન મારી શિક્ષા માન,
હજી તો બાજી છે તુજ હાથ, સમજી શોધ સારો સાથ;
ત્રીકમ સાથ જોડી તાન, મન તું મારિ શિક્ષા માન.
મેલી માન મટ ઉનમત્ત, દિક્ષા દે ભલી દલપત્ત;
પ્રીતે કર હરિરસપાન, મન તું મારિ શિક્ષા માન.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 179)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
