કલાપી
Kalapi
તારાનાં ઝુમખાં વતી રજનીનો અન્ધાર દેખાય છે,
શાન્તિ છે સહુ સ્થાનમાં પણ અહીં કુવા કને કોણ છે?
ઓહો! કોણ હશે અહીં વન મહીં નિશ્વાસ આ મૂકતું,
જેના શબ્દથી વૃક્ષથી ઘૂવડ આ ઘૂઘૂ કરી ઉડતું?
સ્ત્રી છે તે દુઃખિયારી કો જીવવું ગમતું નથી!
આવી છે આ કુવા માંહીં પડીને દેહ પાડવા!
બોલી ન કાંઈ પણ ઉભી નવાણ પાસે,
કુવા મહીં નઝર એ સુખથી કરે છે;
સૌન્દર્ય કૈં મરણના મુખમાં હશે શું?
હા? કાંઈ એ તડફશે મરતાં નહીં શું?
દ્રઢ સંકલ્પથી ના શું હૈયું હામ ધરી શકે?
અંધારામાં બ્હીનારૂં તે કુવામાં સુખથી પડે!
“હાં હાં!” થયો પણ ધ્વનિ કંઈ પાસ તેની,
ને હસ્ત કો પુરુષના કરથી ઝલાયો;
એ બાઈ બોલી, “નવ કૈં તુજને નડું હું,
“માલેક છું મુજ શરીરની! ભાઈ! જા તું!
કૂવાથી દૂર ખેંચીને બાઈને પુરુષે કહ્યું,
“સાંભળી લે જરા! બાઈ! ફાવે તે કર તું પછી!
“માલેકી તુજ ઝિન્દગી તણી અરે! તું એકની હોય ના,
“ભાગી કૈક હશે, અને નહિ હશે તોયે થયું શું ભલા?
“જેનું કોઈ નહીં અરે! જગત આ આખુંય તેનું નકી,
“ને જેનું જગ તે જરૂર જગનું, પોતાનું કોઈ નહી.”
નમી તે બાઈ પિછાની બાવા એ મૂળદાસને,
આંખમાં અશ્રુ આવ્યાં, ને બોલી ધીમે ઉભી થઈ.
“જીવિત આ થયું છે મને કટુ!
”મરણની ન કાં ઔષધિ લઉં?
“ન મુજ વિશ્વ ને વિશ્વની ન હું,
“દિલ ન મૃત્યુથી આ નિવારવું!”
કહે બાવો, “અરે! કાંધ વાત તો દુઃખતી હશે!
જડે ન માર્ગ કાંઈ તો કોઈને પૂછવું ઘટે.”
“શું બોલું હું? નથી કંઈ રહ્યો સાર એ વાત માંહીં,
“હું જીવું તો મુજ પ્રિય મરે એજ છે વાત મારી!
“શાને રોકો? વખત વહતો! ઠેરશે ના જનારૂં!
“શું બોલું રે? કહીશ કદિ ના પાપ વ્હાલા તણું હુ.”
“પાપીને પાપ કીધાથી પાપમાં વધુ નાખ તું,
“કહે સાચું અરે બાઈ! મરવા તો નહીં દઉં.”
“હું તો છું વિધવા અને કુલ વળી છે નીચ મ્હારૂં, પિતા!
“રે રે! એક વણિક જોઇ મુજને કૈં મોહ માંહી પડ્યો!
“સાથે કૈંક દિનો ગયા, જગત કૈં તે જાણતું ના હતું,
“કિન્તુ પાપ તણો ભરાઈ ફૂટતો, બાપુ! ઘડો આખરે.
“ગર્ભવતી થતાં હું તે પાડોશી સમજી ગયાં,
“ન્યાયને બારણે તેથી મારે તો ચઢવું પડ્યું.
“કાલે થશે જરૂર રે! ઇનસાફ તેનો,
“ને નામ એ વણિકનું ક્યમ દેઉં હું તો?
“એ બોલતાં જરૂર એ નવ જીવ રાખે,
“એનું થતું મરણ હું ક્યમ જોઉ આંખે?
“ગર્ભનું બાલ આ ને હું તેથી, બાપુ! મરી જશું;
“જીવવાને કહેશો ના! શું છે ના મરવું ભલું?”
વિચારી મુળદાસ આમ વદતો ધીમે દયાથી ગળી,
“ના ના બાઈ મરીશ ના, જીવિતનો છે માર્ગ ખુલ્લો અહીં;
”જે દીવો નવ ઓલવાય કદિ તે ફૂંકે ન બૂઝાવવો,
“લેજે તું મુજ નામ ને થઈશ હું સુખે પિતા બાલનો.”
“અરેરે! કેમ એ થાશે? તમારૂં નામ શે લઉં?
“કેમ હું કૂડનો ડાઘો તમારી કીર્તિને દઉં?”
“કીર્તિને સુખ માનનાર સુખથી કીર્તિ ભલે મેળવો,
“ કીર્તિંમાં મુજને ન કાંઈ સુખ છે, ના લોભ કીર્તિ તણો;
“પોલું છે જગને નકી જગતની પોલી જ કીર્તિ દીસે,
“પોલું આ જગ શું થતાં જગતની કીર્તિ સહેજે મળે.
“એ પોલાણ ત્યજી જનાર કદિ એ કીર્તિ ન પામી શકે,
“લોકોની અપકીર્તિમાં હૃદયની સાચી જ કીર્તિ વસે;
“એવી કીર્તિ તણું મહત્વ કદિ એ લોકો ન જોઈ શકે,
“દેખે નેત્ર ભલે પરન્તુ ગ્રહણે ના સૂર્ય ઝાંખો પડે.
“તુચ્છ એ કીર્તિને માટે ના ના ખૂન થવા દઉં,
“સહેશે સુખથી ડાઘો નામ આ મૂળદાસનું.”
તે બાઈના હૃદયનાં પડ ઉઘડ્યાં સૌ,
આભારની છલકમાં દિલ ભાન ભૂલ્યું;
જોઇ શકી ઝળક સૂર્યની ડાઘ માંહી,
કૈં પામતાં મહત એ દિલની પ્રસાદી.
થયાં એ બેય જૂદાં ને ઇનસાફે થઈ ગયો,
મહાત્મા જૂઠ બોલ્યો, ને સ્ત્રી સાથે વનમાં રહ્યો.
હાહાકાર થઈ રહ્યો દિવસ તે આખો બધે ગામમાં,
ઘેરેઘેર થતી હતી મશકરી તે વાત બાવા તણી;
તેને જે પૂજતાં હતાં જન સહુ ધિક્કાર તે આપતાં,
ભિક્ષાએ નવ માગતાં મળતી ને ભૂખે દિનો કૈં જતા.
ભાઇ અને બ્હેન જેવાં એ બાવો ને બાઈ એક દી,
મઠમાં એજ બીનાની વાત કંઈ કરતાં હતાં.
કોઈ તે સુણતું'તું, ને હર્ષાશ્ચર્ય વિષે પડ્યું;
ને એ બોલી ગયું, ધીમે, “સત્યનો બેલી છે પ્રભુ.”
ચણભણ પછી ચાલી વાત કૈં ગામ માંહીં;
જનહૃદય પડ્યાં સૌ કાંઈ શકા મહીં, ને
જનપદ ફરી લાગ્યા આવવા તે જગાએ,
ભજન પણ ગવાતાં રાત્રિએ ત્યાં ફરીને.
અન્ધારે સત્ય ડૂબ્યું તે આવતું તરી આખરે,
પરન્તુ કાંઈએ તેની ચિન્તા ના મૂળદાસને.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 148)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
