madhyaraatriie koyal - Metrical Poem | RekhtaGujarati

મધ્યરાત્રિયે કોયલ

madhyaraatriie koyal

નરસિંહરાવ  ભોળાનાથ દીવટિયા નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
મધ્યરાત્રિયે કોયલ
નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા

(વિષમ હરિગીત)

શાન્ત આ રજની મહિં મધુરો કહિં રવ આ-ટૂહૂ-

પડિયો ઝીણો શ્રવણે અહિં? શું હું સ્વપ્નમાં સુખ આ લહું?

મન્દ વાઈ સમીર આ દિશ જો વહે રવ એ ફરી,

નહિં સ્વપ્ન, એ તો ગાન પેલી ગાય કોયલ માધુરી.

મધ્યરાત્રિ સમે ત્હને અલી કોકિલા! શું આ ગમ્યું?

હાં, મેહુલો વરશી રહ્યો ત્હેણેથી તુજ મનડું ભમ્યું;

દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહિં તું રેલતી,

આ રમ્ય રાત્રિ મહિં અધિક આનન્દગાને ખેલતી.

નીતરી રહી ધોળી વાદળી વ્યોમમાં પથરાઈ આ,

ને ચાંદની ઝીણી ફીકી વરશી રહી શી સહુ દિશા!

ગાન મીઠું અમીસમું ત્હેણે ભર્યું તુજ કણઠમાં,

આ શાન્તિ અધિક વધારતું તે જાય ઊભરી રંગમાં.

નગર બધું આ શાન્ત સૂતું, ચાંદની પણ અહિં સૂતી,

ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી,

અનિલ ધીરે ભરે પગલાં પળે શાન્તિ રખે સહુ,–

ત્ય્હાં ઉછળતી આનન્દરેલે કોકિકા બોલે – ટુહૂ!

સૃષ્ટિ સઘળી શાન્ત રાખી મુજને જ જગાડતો

ટહુકો મીઠો તુજ પવનલહરી સંગ જે બહુ લાડતો;

ગાન તુજ સીંચે હૃદયમાં મોહની કંઈ અવનવી,

ભૂલી ભાન, તજી મુજ રમ્ય શય્યા, હઈડું દોડે તવભણી.

દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં,

આનન્દસિન્ધુતરઙ્ગંમાં નાચંતું એ ઉછરંગમાં;–

હા! વિરમી પણ ગયો ટહુકો, હૃદય લલચાવે બહુ,–

ફરી એક વેળા, એક વેળા, બોલ્ય, મીઠી! ટુહૂ, ટૂહૂ!

સ્રોત

  • પુસ્તક : કુસુમમાળા (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સર્જક : નરસિંહરાવ ભોળાનાથ
  • પ્રકાશક : જીવનલાલ અમરશી મહેતા
  • વર્ષ : 1912
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ