મચ્છુ
machchhu
ઈન્દુલાલ ગાંધી
Indulal Gandhi
ઈન્દુલાલ ગાંધી
Indulal Gandhi
(મિશ્રોપજાતિ)
પ્રકાશની પાંખડીઓ કરે ધરી
અનિલ જ્યારે કિરણો પ્રસારતો;
ગૂંથી કરે આંગળીઓ અનેકની
હું ખેલવા નિત્ય નદીતટે જતો.
ત્યાં હાથીઓના પરિવાર જેવી
સેના પડી પથ્થર કાળમીંઢની;
એમાં તરે નિત્ય નવાં નવાં રૂપે
મચ્છુતણી મોહક નીરચુંદડી.
એ ચુંદડી, મંદિર એકલિંગનું
ને પથ્થરે પથ્થરને પિછાનતો,
વર્ષો તણાં અંતરને વટાવી
ખોવાયેલું અંતર આજ શોધતો.
ભેટી પડું પથ્થરની જમાતને
સ્મરી સ્મરી સ્વચ્છ કરું પ્રભાતને.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 212)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
