maataa ane baalak - Metrical Poem | RekhtaGujarati

માતા અને બાળક

maataa ane baalak

દલપતરામ દલપતરામ
માતા અને બાળક
દલપતરામ

(પદ)

માતા બાળક ને બેસારી પ્રેમે પારણે,

ઉજળાં વસ્ત્ર ધરાવી ઠીક બનાવી ઠાઠ;

બાળાપણમાંથી અભ્યાસ કરાવા કારણે,

આપે અક્ષરનો સૌભાગ્યવતી શુભ પાઠ. માતા...

ગુણવંતી મન હરખે નિરખી ગોરા ગાલને,

રૂઠે બાળક તો હશી હશી હાલરડાં ગાય;

અલો લોલો હાલ ખમા લાડકડા મારા લાલને,

દુખડાં લઉ તારાં એમ કહી કહી અરધી થાય. માતા...

મારો મોંઘો છે છોટો કાલે મોટો થશે,

એવા દિવસ મને દેખાડે દીનનો નાથ;

ભાઈ મારો સઉથી ભલી ભાતે ભણવાગણવા જશે,

લઈને લેખણ ખડિયો પાટી પુસ્તક સાથ. માતા...

બેઠી ઢાળીને સાંગામાંચી સોહામણી,

ખેંચે રેશમ દોરી ખૂબ લડાવે લાડ;

દેખી કાંતિ કુંવરની અતિ રૂડી રળિઆમણી,

મનમાં પૂરણ માને પરમેશ્વરનો પાડ. માતા...

આપી ચાલણગાડી ચતુરા શિખવે ચાલવા,

ચટક ચટક ચાલે પગ કંકુવરણા લાલ;

થેઈ થેઈ રાખીને આંગળીઓ ઝાલવા,

ચાંપે છાતીમાં આંણીને અદકું વહાલ. માતા...

નિર્મળ જળ ઝાઝુ લઈ ન્હવરાવે નિરાંતથી,

રૂડાં રંગ ભર્યા દેખાડે ચિત્ર વિચિત્ર;

આપે મેવાને મિઠાઈ ખાવા ખાંતથી,

વળી કાંઈ વિધ વિધનાં આપે નહાનાં વાજિંત્ર. માતા...

આપે મોર ચકો ચરકલી હાથીદાંતની,

ઘુંઘરો ઘણણ બજાવી રાખે છાનું બાળ;

હાથી ઘોડા ને પૂતળીયો ભાત ભાતની,

માગે ચાંદો તો પાણીનો પૂરે થાળ. માતા...

આપે ભમરડી ચકરડી કોયલ ફેરવે.

દેખી સરસ રમકડાં બાળક રાજી થાય;

ચતુરાં ચપટી બજાવે કર આંગળીને ટેરવે,

હરખ પમાડી તાળી પાડી ગરબી ગાય. માતા...

શિખવી ભાષા શુદ્ધ મટાડે બોલી તોતળી,

શિખવે કાકા કાકી મામા મામી નામ;

ગણતાં એકથકી સો સુધી શિખવે છે વળી,

ફરતી ફરતી ને વળી કરતી ઘરનું કામ. માતા...

શિખવી કક્કાના અક્ષર પદ જૂદાં પાડિયાં,

શિખવે પંદર તિથિ ને પૂરા સાતે વાર;

શિખવે બાર મહિના ખટરૂતુને પખવાડિયાં,

શિખવે નક્ષત્રો સત્યાવિશ રાશી બાર. માતા...

નહિ શીખે તોપણ માતા તેને મારે નહીં,

બીજા બાળક લાવી સરખા સરખી જોડ;

તેની સાથ રમાડે પ્રેમવતી પાસે રહી,

વધતું કોણ ભણે એમ કહી કરાવે હોડ. માતા...

કુંવરજી ઘણું જીવો કુળનો દીવો તું થશે,

નવજુગ નામ રહે એવાં કાંઈ કરજે કામ;

તારાં જન્મચરિત્ર ગણીને ગ્રંથો ગુંથશે,

જન મન રંજન કવિતા રચીને દલપતરામ. માતા...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002