બાની ચીમટી
baani chimti
સુંદરજી બેટાઈ
Sundarji Betai

(ખંડશિખરિણી)
‘હતો તું તોફાની,
અરે જિદ્દી માની,
કદિ કદિ મને ખૂબ પજવી,
અને મેં યે રીસે ઘણી ઘણી તને ચૂંટી ય ખણી.
સુવાળાં એ ગોરા તુજ વદનની રોશની હણી.
‘અરે, તું શું જાણે?
હતો તું એ ટાણે
કની ઠમકતો બાલ ભૂલણો;
ઘડી પ્હેલાંનું સૌ તુજ રમતમાં વીસરી જતો.
ફરી મારો ખોળો ભરી હૃદય મારું ભરી જતો.’
‘મીઠી માડી મારી,
ભરી દૂધે ઝારી
મુજ મુખ ધરીને ઊલટથી
ન શું પાયાં મોંઘાં અમૃતઅધિકાં દૂધ દિલનાં?
ન શું છાનાં હેતે નયન – ઉર ઉદ્દીપિત કર્યાં?
ન શું નિચોવીને મુજ જીવનમાં જીવન ભર્યાં?
“તું તો મારી બા – એટલું બસ મને નિત્ય સ્મરવા :
નવ હું સ્મરતો લાત પ્રહરી,
અવ વીસરી જા, બા, તું ચીમટી.”



સ્રોત
- પુસ્તક : વાત્સલ્યમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 146)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 2019