Maa no gun - Metrical Poem | RekhtaGujarati

માનો ગુણ

Maa no gun

દલપતરામ દલપતરામ
માનો ગુણ
દલપતરામ

(ભુજંગી છંદ)

હતો હું સુતો પારણે પુત્ર નાનો,

રડું છેક તો રાખતું કોણ છાનો;

મને દુખી દેખી દુખી કોણ થાતું,

મહા હેતવાળી દયાળીજ મા તું.

સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,

પીડા પામું પંડે તજે સ્વાદ તો તે;

મને સુખ માટે કટુ કોણ ખાતું,

મહા હેતવાળી દયાળીજ મા તું.

લઈ છાતી સાથે બચી કોણ લેતું,

તજી તાજું ખાજું મને કોણ દેતું;

મને કોણ મીઠાં મુખે ગીત ગાતું,

મહા હેતવાળી દયાળીજ મા તું.

પડું કે ખડું તો ખમા આણી વાણી,

પડે પાંપણે પ્રેમનાં પુર પાણી;

પછી કોણ પોતાતણું દૂધ પાતું,

મહા હેતવાળી દયાળીજ મા તું.

મને કોણ કેતું પ્રભુ ભક્તિ જુક્તિ,

ટળે તાપ પાપે મળે જેથી મુક્તિ;

ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચાતું,

મહા હેતવાળી દયાળીજ મા તું.

તથા આજ તારૂં હજી હેત તેવું,

જળે માછલીનું જડ્યું હેત જેવું;

ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,

મહા હેતવાળી દયાળીજ મા તું.

અરે બધું શું ભલું જૈશ ભૂલી,

લીધી ચાકરી આકરી જે અમૂલી;

સદા દાસ થૈ વાળી આપીશ સાટું,

મહા હેતવાળી દયાળીજ મા તું.

અરે દેવના દેવ આનંદ દાતા,

મને ગુણ જેવો કરે મારી માતા;

સમો વાળવા જોગ દેજે સદા તું,

મહા હેતવાળી દયાળીજ મા તું.

શિખે સાંભળે આટલા છંદ આઠે,

પછી પ્રીતથી જો કરે નિત્યપાઠે;

રીઝી દેવ રાખે સુખી સર્વ ઠામે;

રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002