matruviyog - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માતૃવિયોગ

matruviyog

રણછોડ ગલુરામ રણછોડ ગલુરામ
માતૃવિયોગ
રણછોડ ગલુરામ

(સવૈયા)

બાળપણે હઠ ધારિ બહુ બહુવાર રડી સ્તનનું પય પીધું,

જીવિ જહાંલગી ત્યાં લગિ તેં મમતા ધરિ પાલણ પોષણ કીધું;

જાળવિ જન્મથકી જુગતે જનની દુઃખ લેશ થવા નવ દીધું!

મોકલિ મુંબાઈ બા મુજને, જઈ એકલિ તેં સુરધામ શું લીધું!

જે દિવસે નિસર્યો હું જવા, મુજ મિત્રનિ સાથ પ્રવાસ મુંબાઈ,

ગાડિ અગાડિ ઉભી રહિ માડિ, વળાવિ કહ્યું વળજે ઝટ ભાઈ;

એમ વળી ઉચરી મુજ આગળ, કાગળમાં લખજે કુશળાઈ!

ને મળવૂં હતૂં ફરિ તો શિદ રાખિ દગો મુખ ભાખિ ભલાઈ.

જે દિનથી જનની તજિ તૂં ગઈ તે દિનથીં દુઃખમાં રહુ ડૂલી,

ભોજન ઊપર ભાવ નહી, પકવાન પરંતુ જમૂ ગણિ થૂલી;

ખાઈ કહું સમ તૂજ વિના સમજાઈ સગાંનિ સગાઈજ લૂલી,

કેહે રણછોડ નિકેત થકી સહુ, હેત સમેત ગયું સુખ ઊલી.

ઓષડિયાં ગડગૂમડનાં કરિ નાનપણે મળમૂતર ધોતી,

દેખિ સુખી મુજને સુખ ઘારતિ ના રતિ સુખ દુઃખેમુજ રોતિ;

ના મળું તો મુજ માટ ઉચાટ, ખડી ખડિ વાટ ઘડીઘડિ જોતી,

રોઈ પડૂં કદિ કોઈ દિને દિન જોઈ બચી કરિ લોચન લોતી.

એક દિને જળ કાઢતિ તૂં હતિ બાળક હૂં કુપ ઉપર આવ્યો,

બેડું પડ્યૂં કુપમાંય જવાદઈ, બાંય ગ્રહી તહિં તેંજ બચાવ્યો;

ગાભરિ થૈ ઘર આગળ લૈગઈ, ધાઈ ઘરી મુજને ધવરાવ્યો,

ધન્ય તને જનની તન ઉપર પ્રાણથિ પ્યાર અપાર જણાવ્યો.

તૂં ઉપકાર અપાર કરી ગઈ, વાળિ શક્યો હું તેતણું સાટૂ,

તૂજ કરેલ ટક્યો ગુણ ના રજ, છે મુજ મૂરખનું મન ફાટૂ;

મૂજસમો અવિવેકિ કો જગ, કે ફળ સર્ખું ગણ્યું ગળ્યું ખાટૂં,

માત વિમૂખ વધ્યા મુજ દુર્ગુણ, ડુંગર તુલ્ય થયા કહિં દાટૂં.

મિત્ર પવિત્ર મળ્યા મુજને વળિ, નેહ વધારણિ છે છતિ નારી,

તાત સમા મુજ, છે તુજ તાત કમાઈનિ વાત શુણ્યે સુખકારી;

માનનું દાન મળે વિદવાનથિ છે મળિ કાવ્યનિ ગમ્મત સારી,

મોંજઘણી ઘણિ છે પણ મા ક્ષણ તૂં નથિ વીસરતીજ વિસારી.

એક ઘડી અળગો કરતી નહિં કેમ હવે અળગી હઠિ માડિ,

સૂત વિના સુખ માણતિ ના પળ, કેમ તહાં તું નિભાવિશ દાડી;

ટેવ અધીરિ હતી પણ ત્યાં જઈ, ટેવ શું ધીર ધર્યા તણિ પાડી,

સ્વર્ગ વિષે સુરવર્ગ મહીં વસિ, પુત્ર વિસારિ દિધો શું પછાડી.

(દુઓ)

કાકા મામા નેં ફૂઆ, ભગિની નેં વળિ ભ્રાત;

દુનિયાંમાં દૂજાં મળે, વિના માત નેં તાત.

રસપ્રદ તથ્યો

કવિની નોંધ : સને ૧૮૬૪ની સાલમાં નવેંબર માસમાં મારા મિત્રની સાથે મુંબાઈની મુસાફરી કરવા ગયો હતો. ત્યાં ત્રણેક માસ સુખચેનમાં રહ્યો. પછી એકાએક દૈવ્યયોગથી ચૈત્રમાસમાં ઘર આગળ મારી માતુશ્રીનું મરણ થયું તે જાણીને મને બહુ ખેદ થયો. જગતમાં પ્રાણી માત્રને પોતાની માતા તરફથી જેટલો પ્યાર મળેલો છે; તેટલો બીજા કોઈ તરફથી મળેલો અથવા મળવાનો નથીજ. પ્રાણી માત્ર પોતપોતાની માતાના આભારી જીવતાં સુધી બની રહેલા છે. તેમજ હું પણ. માતૃવિયોગથી મને જે વેદના થઈ હતી તે મારૂં મનજ જાણે છે. અને તે વેદના થવાનું કારણ તેના ઘણા ઉપકાર છે. તેનું વર્ણન કરવાને મને જેટલો જુસ્સો છુટ્યો હતો તેટલો તો નહિં પરંતુ તેમાંનો કંઈક ભાગ યથામતિ મેં કવિતામાં આણેલો છે. શોકાવેષમાં મતલબનો પણ અનુક્રમ રહ્યો નથી. અલબત ખરી વાત છે કે વ્યગ્રચિત્તમાં બુદ્ધિ સીધે રસ્તે ચાલી શકતી નથી.)

સ્રોત

  • પુસ્તક : રણછોડકૃતકાવ્યસુધા (પૃષ્ઠ ક્રમાંક 179)
  • સર્જક : રણછોડ ગલુરામ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1866