kudarat ane manushya - Metrical Poem | RekhtaGujarati

કુદરત અને મનુષ્ય

kudarat ane manushya

કલાપી કલાપી
કુદરત અને મનુષ્ય
કલાપી

૫હોંચે ના કર્ણે કલકલ ધ્વનિ જગતના,

વહે ધીમાં ધીમાં ખળખળ અહીં શાન્ત ઝરણાં;

પડે ધોધો ગાજી મધુર મધુર જ્યમ માતંગ ગરજે,

રૂડાં બચ્ચા નાનાં ચપલ હરિણોનાં કૂદી રહે!

સૂતો છું કુંજે, શરીર-મનમાં શાન્તિ પીગળે,

હજારો મીઠા મિશ્રિત સ્વર ભરે છે મગજને;

વિચારો આનંદી મુજ દિલ કરે છે દુઃખભર્યું!

અહો! મારું હૈયું સુખમય દુઃખોથી ઉભરતું!

અને આત્માને કુદરત ગ્રહી લે નિજ કરે;

ઉડાડી દે ઊંચો, પકડી વળી ચાંપે નિજ દિલે,

મૂકે તેને પાછો હસી મૃદુલ શેવાલ પર ને,

પછી પંપાળે છે ફરી ફરી દઈ ચુમ્બન મુખે!

અરે! માતા છે, ભગિની મુજ કે, શાંતિ સુખ છે,

નવાં કાર્યો પ્રેરી મુજ હૃદયમાં અગ્નિ છૂપવે!

નિહાળી વિચારી મુજ દિલ બની કાષ્ઠ સળગે,

અહીં જે રીતિ જન પ્રતિ ચલાવે જન; અરે!

નીલી કુંજોમાં છે સુમન મકરંદે ભભકતાં,

નીચે ઊંચે ઊડે ફૂદડી નવરંગી રમતમાં;

અને હું ધારું છું પ્રતિફૂલ રૂપાળું હસમુખું

બને છે ભોગી અનિલ-લહેરીસ્પર્શસુખનું!

અહો પક્ષી! તો કૂદી કૂદી રમે છે મુજ કને,

વિચારો તેઓના સમજી શકતો હું જરીયે;

અહા! કિન્તુ તેની અતિચપલ સૌ અલ્પ ગતિએ

મને તો ભાસે છે પુલકિત થતો હર્ષ ચમકે!

પ્રશાખા ગુલ્મોની વ્યજન નિજ વિસ્તીર્ણ કરતી,

ભરી લેવા હૈયું દિનકર તણાં કિરણથી;

નકી હું માનું છું, તરુકુલ બધાં હર્ષમય છે,

ડૂબેલાં સર્વે છે પ્રણયમધુના મિષ્ટ ઝરણે!

અરે! શ્રદ્ધા જો કુદરત-પ્રભુ પાથરી રહે,

અને યોજી દે છે વિભુપતિ ધર્મ સહુને;

નહીં કાં રોઉ તો રુધિર દિલનું હું નિરખીને

અહીં જે રીતિ જન પ્રતિ ચલાવે જન, અરે!

નદી જો રોશે તો રુદન કરશે પ્હાડ-પથરા,

અને ઝીણું ઝીણું રુદન કરશે પક્ષી સઘળાં;

વનોના આગારો તરુ સહુ બિચારાં ટપકશે,

ઝરાનાં હૈયાં તો છણ છણ તપીને ઉકળશે,

અને આંસુ લ્હોતો પવન નદીનો મિત્ર બનશે,

નભે ઝૂમેલાં તે ઘનદલ તણાં અશ્રુ ખરશે!

કૃતિ આવી મીઠી કુદરત તણો જે ક્રમ કહે,

જનોમાં ના ના! જડ સમ નહીં શું જન, અરે?

કહું શાને હાવાં ઉદધિ જડ ને જડ નદી?

ગણું તિર્યંચોને હૃદયહીણ હું તો ક્યમ કદી?

ખરે હું જાણું છું જગત સહુ ચૈતન્યમય છે,

નહીં તો ક્યાંથી પ્રણય, કરુણા ને રતિ, અરે?

ભલે કાલિદાસે નિજ દિલ કહ્યું વાદળી કને,

પ્રિયાનો સંદેશો ઘન સહ દીધો તે પણ ભલે;

નકી માન્યું છે મુજ દિલ અને કવિદિલે,

પહોંચાડ્યું મેઘે કવિરુદન તેની રમણીને!

કવિ ભોળો તો કુદરત તણો બાંધવ હતો,

જનો તે શું જાણે? જન પર રહ્યો સ્વાર્થ લપટ્યો;

વિના અશ્રુ જોશે જનદુઃખ જનો જ્યાં સુધી અરે!

કવિતાના ભોક્તા સુખમય રસીલા નહિ બને!

નવા રંગો ધારી સુરધન અહીં આજ વિરમે,

જનોથી મારે શું? કુદરત મહીં દિલ રમે;

રૂડી સંધ્યા રેલી સરિત સર ને પ્હાડ પર છે,

ધનુ સંકેલાયું, હિમકર તણું શૃંગ ચળકે!

ગ્રહો-તારા સાથે ધવલ નભગંગા ખળભળે;

રૂડાં પીળાં પીછાં શશી પર ધરે વાદળી હવે;

ધકેલી તેને અનિલ લઈ ચાલ્યો રમતમાં,

અને પેલી ચંદા થરથર રહી ધ્રૂજી જલમાં!

અહા! કેવા પંથે કુદરત કરે છે ગતિ અને

અરે! કેવા પંથે કુદરત તણાં બાલક ભમે!

વિચારી વિચારી મમ દિલ બને ભસ્મ સળગી,

અરેરે! જે રીતિ જન પ્રતિ ચલાવે જન અહીં.

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004