krutaghnata - Metrical Poem | RekhtaGujarati

કૃતઘ્નતા

krutaghnata

કલાપી કલાપી
કૃતઘ્નતા
કલાપી

ભલે ફૂંકો ફૂંકો પવન તમ જ્વાલા સળગતી!

ભલે વંટોળાની ગગનપડમાં ધૂળ ઊડતી!

સુસાટામાં છોને ગિરિશિખર મોટાં ઢળી પડે!

ભલે સૂર્યે ઢાંકી રજ સહુ દિશા મેલી કરે!

ભલે વ્હેતાં વ્હાણે સઢ સહુ ચિરાઈ તૂટી પડે!

પ્રચંડોર્મિ છોને જલધિજલના ઊછળી રહે!

ભલે હોડી ડૂબી ગરક દરિયામાં થઈ જતી!

ભલે જાતી આખી જન સહ રસાતાલ પૃથિવી!

હવે તો હું વૈરી જગત સઘળાનો થઈ રહ્યો!

અહો! જેને માટે મમ હૃદય બાળી દુઃખી થયો!

કૃતઘ્ની લોકોને કદર નવ કાંઈ હૃદયની!

જોવાની ઇચ્છા! કદર કરવા સાધન નહીં!

તુફાની સત્ત્વો કુદરત તણામાં મળી રહું!

બને તો વંટોળો થઈ જગત ઉજજડ કરું!

ગડેડાટો મોટા, કડડ કડડાટો વીજળીના,

મને વ્હાલાં વ્હાલાં પ્રલયઘમસાણો પવનનાં!

દયાના, પ્રીતિના, મૃદુ હૃદય ને માર્દવ તણા

તમે લોકો વૈરી : મમ હૃદય લે વૈર ક્યમ ના?

હસો રોતો દેખી? હસીશ તમને આજ ચગદી!

અહો! રોનારાં મમ નયનમાં જ્વાળ સળગી!

દયા રોનારાંની ઉપર નવ મારા હૃદયને!

તમારું રોવું કપટમય ને ક્રૂર દિસે!

તમારા લોહીમાં મમ હૃદય સ્નાન કરશે

અને તોયે સૌ ઘટિત થયું એમ ગણશે!

અહાહા! મીઠી કુદરત તણી કેવી મૃદુતા!

અરે! તેમાં ક્યાંથી હૃદય તમ શીખ્યાં અજડતા?

તમારે માટે કો હૃદય ભગવું જે કરી રહે,

અરે, તેને ચીરો! તમ હૃદય તો ચીરીશ હવે!

સખે! તેંયે શું જિગર ચીરવા ખંજર લીધું?

હતું ખુલ્લું, તોયે હૃદય મમ તેં નવ દીઠું?

કહું શું લોકોને? અરર! સઘળા પામર નકી!

વૃથા ઢોળું ત્યાં હું મમ હૃદયનો ક્રોધ નકી!

તને તો ના ઓહો! મુજ જિગર કૈંયે કહી શકે!

મૂક્યું ખોળે માથું પછી કતલનો શું ડર રહે?

દગો ત્યાંયે, ત્યાંયે! પછી જગતને શું કહી શકું!

વિના બોલ્યે કાંઈ પણ નવ હું મૂંગો મરી શકું!

ભલે ફૂંકે ફૂંકે અનિલ અથડાયા વગર સૌ!

ગિરિ તો રૂનો થઈ જઈ હવે પોલ ઊડતો!

ઘણા વ્હોની સામે અડગ રહીને ટક્કર લીધી,

હવે તે ખેંચાતો તૃણવત થઈ તાણની મહીં!

જવા સામે પૂરે સરપ સરખો યત્ન કરશે-

હજુ ખેંચાતો પણ નવ ખુશીથી કદી જશે!

અરે! આશા કિંતુ જરી પણ રહી ના હૃદયને,

પડ્યો જે નીચે તે જગત ક્યમ ઉંચે લઈ શકે?

સખે! અન્યાયી તું મુજ હૃદયને ને જગતને!

અરેરે! તેં કીધું જગત કડવું હૃદયને!

કૃતઘ્ની તું થાતાં મમ દિલ કૃતઘ્ની થઈ ગયું!

પ્રભુની લીલાને વિષમ ગણતાં શીખી ગયું!

તને કૈં ક્હેવું દિલની નબળાઈ મુજ નકી!

વિના સ્વાર્થે પ્રીતિ મમ હૃદયથી ના થઈ શકી!

નકી આશા કાંઈ તુજ હૃદયમાં રાખી હશે,

તે પૂરી થાતાં મમ હૃદયને દુઃખ સખે!

હશે ભાઈ! કિન્તુ હૃદય તજવું તે સુખથી શેં?

ઉછેર્યું મેં તારું હૃદય કુમળું દુઃખી, ગણીને;

હવે કાંટા લાગે! અમર તુજ કંટક હજો!

પરંતુ બીજાંથી જરી વધુ હવે કોમળ થજો!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004