દલપતરામ
Dalpatram
(દોહરા)
કરીએ સારું કોઈનું, એજ ધર્મનું કર્મ;
બીજા કલ્પિત ધર્મ છે, મનમાં સમજો મર્મ.
તે માટે મનમાં તમે, કરજો પ્રથમ વિચાર;
આ કરવાથી કેટલો, થાશે પરોપકાર.
(હરિગીત છંદ)
હું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણિને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો;
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીત ઈશ્વર રીઝશે તેં સારું કોનું શું કર્યું?
તેં નિત્ય સ્નાન ત્રિકાળ કીધું ચાહિ ગોમય ચોળીને,
તે પંચ ગવ્ય વિશેષ પ્રાશન કીધ ઘોળી ઘોળીને:
આહાર એકજ વાર કરવો એવું વ્રત તેં આચર્યું,
શી રીત ઈશ્વર રીઝશે તેં સારું કોનું શું કર્યું?
તેં હોમ હવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તેં ચાલતી નદિને ચઢાવ્યાં દૂધ દહિં ગાયો તણાં;
બહુ વર્શ મુખ મુનિવ્રત ધર્યું. તે ઠીક તુજ મનમાં ઠર્યું,
શી રીત ઈશ્વર રીઝશે તેં સારું કોનું શું કર્યું?
તેં નવ નવાં નૈવેદ કરિને તે પ્રસાદી તું જમ્યો,
ઉપવાસ ને એકાસણાં કરી દેહને બહુ તેં દમ્યો;
ખાડો ખણીને ડાટિયું જે અન્ન જમતાં ઉગર્યું,
શી રીત ઈશ્વર રીઝશે તેં સારું કોનું શું કર્યું?
તેં પ્રાર્થના પ્રભુની કરી મુખ વિવિધ વેણ ઉચારીને,
તેં સ્તોત્ર પાઠ ઘણા કર્યા નિત નિત્ય નિયમો ધારીને;
ગદગદ સ્વરે ગુણ ગાન કરતાં આંખથી આંસુ ઝર્યું,
શી રીત ઈશ્વર રીઝશે તેં સારું કોનું શું કર્યું?
ભગવાન લૂખી ભક્તિથી રીઝે નહીં રજ માત્ર તે,
પણ ભક્તિપર ઉપકાર સાથે થાય પ્રભુ પ્રિયપાત્રને;
તેં વગર વિચારે વિવાદ કીધા કામ તેથી શું સર્યું,
શી રીત ઈશ્વર રીઝશે તેં સારું કોનું શું કર્યું?
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 178)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002