wanwarnan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વનવર્ણન

wanwarnan

નર્મદ નર્મદ
વનવર્ણન
નર્મદ

ઉનાળામાં

(માલિની)

સરસ પવન ટહાડો મંદ વાસિત આવે,

સફળ વસતુ અંગે હોંશ આનંદ લાવે;

વન ઉપવન સંધાં દીસતાં રમ્ય રંગી,

નવલ અનુરાગે પ્રાણીઓ છે ઉમંગી.

વિધ વિધ વિધ રંગે ફૂલડાં શોભી બહેકે,

ઊંચી નીચી ઘટ પત્રે વેલીઓ ખૂબ લહેકે;

મધુરરસ ફળો તે સર્વને પાસ તેડે,

વળી મીઠું પચરંગી પંખીઓ ગાય કોડે.

વિવિધ ફૂલલતાએ ખૂલતા માંડવાઓ,

તરુણ તરુતણા છે ડોલતા છાંયડાઓ;

હરખથી નર માદા પંખી ઝૂલે હિંડોળે,

મધુરરસ સુખ તે લે ભાગ્યશાળી હોયે.

પરવતતણી ટોચે મોર કોયેલ આંબે,

મધુર રવ કરે ધન્ય સાદે લાંબે;

ચૂત તરુ પર તાજા મોરના ગુચ્છમાં તે,

મધુકરજૂથ ઘૂમે હર્ષ ઘેલાઈમાં રે.

દિવસ સુરખી મારે કુમળે સૂર્યતાપે,

નિરમળ શશિયોગે રાત તો રમ્ય લાગે;

સરસ ફૂલ પરાગો ઠામ ઠામે ઊડે,

નિરખી સકળ તુંમાં ભાવથી કો બૂડે?

અતિશ ગરમ કિર્ણે સૂર્ય સંધે પ્રકાશે,

મૃગજળ બહુ ભાસે ક્ષારવાળી જગાએ;

સખત લૂ વરસે ને ચોદિશા શૂન્ય થાયે,

નદી સરવકેરાં પાણી સુકાઇ જાયે.

બહુ ડર ઉપજાવે ખેતરો તો તપેલાં,

ઘર મૂકી કરવા તે રે પ્રવાસો સહેલા;

અતિશય ઉકળાટો વાદળી તાપ લાવે,

શ્રમ સહજ કરતાં લોક થાકી જાયે.

ખૂબ લટકતી આંબે દીસતી કેરીઓ ને,

અવર ફળ ઘણાંઓ દે રસો મિષ્ટ મોંને;

હરિત ગુરુ તરુઓ શોભતાં પાતરાંથી,

સુખ સરવ જીવોને આપતાં છાંયડાથી.

પરવતની તળેટી તેથી થોડેક દૂરે,

સુણું અટકતી ગાતી કુંજ ધીમે સૂરે;

સરખી મધુર ચૂં ચૂં કૂપ સારંગી વાગે,

છરર પડતું પાણી નિર્મળું રમ્ય લાગે.

ચરી કરી વળતું તે પાછું ગોવારું જોઉં,

રૂડું કરતું બેં બેં ટોળું ઘેટાંનું જોઉં;

વળી રમણીય જોઊં થંડ દીનાંત સીમા,

રસ પીઈ બની કેફી રે સમું પોકળીમાં.

ચોમાસામાં

(મંદાક્રાંતા)

તૈયારી છે ચૂપચૂપ કહે કાગડાઓ નકીબ,

સંધું દીસે પવન હીલે શાંત રૂડું ગભીર;

શોભા વર્ણ શું હું ઝટ પછી મેઘરાજા પધાર્યા,

વૃક્ષાદિએ હરખથી નમી સ્વસ્તિ શબ્દો પુકાર્યા.

કેવો થંડો પવન અતિસેં જોરમાં આવતો રે,

આવી ઝડપથી બહુ વાદળી કાળી જો રે;

આહા કેવું પડું પડું કરે ઘોર આકાશ ભારે,

ઓહોઃ આવ્યો ખૂબ ત્રૂટી પડ્યો મેઘ મોટી ધારે.

ચારે પાસે વીજળી ચમકે ઉપરાઉપરી રે

ગાજી રેહે ગરજનથકી રાન આખું વળી રે

વ્યાઘ્રો સિંહો અતિસ તડૂકે ઝાડ મોટાં પડે રે

જોતાં ત્રાસે પ્રથમ નીકળ્યો તે પ્રવાસી મરે રે.

જોગી બીજા જન હું સરખા કષ્ટ જેને પડેલાં,

તેઓ રાને લવ નવ બીહે જોઈ ઉત્પાત ઘેલા;

જોગી હર્ષે ચિંતન કરતા સચ્ચિદાનંદનું ને,

દુ:ખી અજ્ઞાઃ મરણ ઈછતા સુજ્ઞ તે રંગ જુએ.

ચાલ્યા જાએ ગડ ગડ ગડી ભડાકા કડાકા,

વીજો ચળકે જળ ખૂબ પડે વાયુ લેતા તડાકા;

વાંસો ફૂટે તડ તડ કરી રાન થાએ કરાળ;

ઓથો વિના સરવરતટે બૂમ પાડે મરાળ.

પહાડે મોરો થનથન કરે સૂર ઊંચું લઇને,

આંબાડાળે કરતી ટઉકા ખૂબ કોએલડી તે;

દાદૂરો તે સરવર વિષે બોલતા કૂદતા ને,

પીએ તોએ પયપય કરે આકળા ચાતકા તે.

પાણી પાણી સકળ વનની કુંજમાંહે મચે ને,

પહાડી ભૂમિ ચકચક બને સાફ ધોવાઇને રે;

થંડી મીઠી અનુકૂલ હવા થાય તાંહાં પછી રે,

દર્દી જાયે દરદી જનનાં રમ્ય પાણી હવાએ.

ખેડુ લોકો શરીર ભીંજવી ખેતરે કામ કર્તા,

જેને થાયે શરદી ગરમી થોડી રે અન્ય કર્તાં;

આહા જોતાં બહુ નવનવા રંગના જીવજંતો,

થાયે ડાહ્યો સમજણથકી જીવ મારો નચંતો.

પહાડો લાગે રમણીય બહુ છેક જંગાલી લીલા,

કોઈ ભૂરા ધુમસથકી તો કોઈ આછા લીલા;

ઊંચે જોઉં પરવત ચડી તો ઘણા અભ્ર રંગી,

નીચે જોઊં ભરપૂર ખૂલ્યાં ઝાડનાં ઝુંડ રંગી.

આડો જાતો બહુ પવનથી મેઘ ઊંચેથી જોવો,

તો લાગે ધૂળ ઊડી રહી વા દીસે ધૂમ્રગોટો;

સિંધુ પહાડો તરૂ નભ સહુ એક રંગે મળ્યાં રે,

માટી રાતી ભીની ભીની અને ઘાસ લીલાં ભીનાં રે.

કો કો ઠામે ડુંગર પરથી ધોધ મોટા પડે રે,

જેમાં રૂડા સૂરજકરણે રંગ ઝાઝા બને રે;

એને જોતાં અચરત થઇ કાં તુંને સ્તવું રે?

ધો ધો ધો ધો મધુર સૂણતાં કાં લહેરે સૂઉં રે?

વહાણે સાંજે રૂડું ધનુષ જે આસમાને જણાયે,

જોતાં તેને નિરભય તરે કો આનંદ માંહે?

થાયે જોતાં નદી ભરપૂરી કેમ ના મંન મોટું?

સુણે પાણી ખળ ખળ થતું કેમ ના સ્હેજ લોટું?

શોભે કેવાં બહુ ખડ અને ધાન્ય તે ખેતરોમાં,

ઝાડો લીલાં વિવિધ ફૂલડાં વંન ને વાડીઓમાં!

મીઠાં ખાસાં સરવરતણાં નીર તો નિર્મળાં ને,

મેદાનોમાં હરણ બકરાં ગાય ઘેટાં ચરે રે.

આકાશે તો ચકચક થતો શ્વેત વાઘો સજ્યો રે.

તારાઓ જે મૂઝઇ રડતા શોક તેણે તજ્યો રે;

પીડાતો તે અતિસ કમળે ચંદ્ર સારો થયો રે,

પાવા માંડી ફરી મીઠી સુધા ધન્ય તેણે સહુને.

રાતે ચાંદો અધવચ ઠરે માંડ આકાશમાં ને,

તારા સંધા ચળકી રહે ખૂબ ગંભીરતાએ;

શબ્દો લાગે દૂર થકી થતા માછીના મિષ્ટ કાને,

વાયુ આવે ફરફર વળી મજો કોણ જાણે?

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023