khander parno piiplo - Metrical Poem | RekhtaGujarati

ખંડેર પરનો પીપળો

khander parno piiplo

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
ખંડેર પરનો પીપળો
બાલમુકુન્દ દવે

ઊગ્યો ક્યાંથી અહીં તું અધવચ અટૂલો ભગ્ન ખંડેર માથે?

ઊગ્યો ક્યાંથી અહીં તું રમણીય તજીને સ્વચ્છ કો આંગણું જ્યાં

ચંપાના ફૂલ જેવી તરલ ઊઘડતી કન્યકા સુપ્રભાતે

ઘોળેલી ઊર્મિઓનાં કુમકુમ અરચે રમ્ય કંકાવટીથી?

તારે ભાગ્યે શું એવા જીવનવિભવના લા'વ નિર્મ્યા લેવા?

ઊગ્યો અશ્વત્થ! હ્યાં ક્યાં રસકસસભરા છોડીને ધરિત્રી?

કિન્તુ હે વૃક્ષવિપ્ર! ભવભટકણમાં હુંય ખંડેર વચ્ચે

એકાકીલો ઊગ્યો છું, અવરજવર ના કોઈની દિશાએ!

ઝીલ્યો મેં એકલાએ જલધર અનરાધાર ઝૂકી પડેલો,

ઝીલી ઝંઝાથપાટો, શિશિર રતતણા સુસવાટાય ઝીલ્યા, -

ઝીલ્યા અંગાર ગ્રીષ્મે, લઘુક જીવનમાં કૈંક મેં રંગ જોયા!

મારે પોચી ધરાની અવ અબળખા, જ્યાં ઊગ્યો ત્યાં રાચું;

શોભા ખંડેરની થૈ, કઠણ વજરશી ભોંયમાં મૂળ રોપી,

જન્મ્યો તો જીવી જાણું પલ પલ કપરી જોગવી જિંદગાની!

સ્રોત

  • પુસ્તક : બૃહદ્ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010