ketki raat divas dhumay, bhamaro te vali na j manay - Metrical Poem | RekhtaGujarati

કેતકિ રાત દિવસ ધૂમાય, ભમરો તે વળિ ના જ મનાય

ketki raat divas dhumay, bhamaro te vali na j manay

નર્મદ નર્મદ
કેતકિ રાત દિવસ ધૂમાય, ભમરો તે વળિ ના જ મનાય
નર્મદ

(ચોપાઈ)

કેતકિ રાત દિવસ ધૂમાય, ભમરો તે વળિ ના જ મનાય;

રાત દિવસ ચિત ચિન્તા ભરે, ક્યારે ભમરો તરપત કરે.

ગભરાતાં મન આવ્યું એમ, વચમાં કાંટો નડતો કેમ;

ખરે કનેથી કાંટો ખરે, તો તો મારૂં કારજ સરે.

બ્હાર રહે કાંટો દિન રાત, ભમરા સાથ કરે છે વાત;

બાર થકી એ પાછો વળે, ભીતરમાં મૂને ના મળે.

મનમાં છે કાંટા પર વેર, પણ સમજાવે ઉલટી પેર;

રહેજે સાવધ કાંટા ભાઈ, ભમરો સહુને દંખેસ્હાઈ.

કાંટો ખાઈ ગયો તે વાત, મંનથકી ના મૂકે ખાંત;

ભમરો ભૂંડો ક્યમ કહેવાય, કેતકિ ચિત બીજી કંઈ લાહ્ય.

ચતુરો કાંટો ચેતી ગયો, ભમરાને પૂછતો થયો;

નીતી સમજાવી બહુ પેર, આખર તેને આણ્યો ઘેર.

કેતકિ ભમરો ભેગાં થયાં, એક બિજાથી સુખિયાં લહ્યાં;

વીજોગી સંજોગે સ્હોય, તે કાંટાને લીધે હોય.

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 175)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ