Kesudo ane Soneru - Metrical Poem | RekhtaGujarati

કેસૂડો અને સોનેરુ

Kesudo ane Soneru

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
કેસૂડો અને સોનેરુ
હરિશ્ચંદ્ર ભટ્ટ

(કેસૂડો)

કેસૂડા!

નંદના કુંવર! યૌવનમુગ્ધ લાલ,

શો ખીલતો નવ વસંતની દીપ્તિ ધારી,

ઉન્માદ શો જગવતો જનચિત્ત માંહીં!

મસ્ત! તેં વ્રજ મહીં ગ્રહી રાધિકાને?

શું તેં કામણ કરી વ્રજનારીઓને

રાસે રમાડી રસ-સાગરમાં ડુબાડી?

રે મેંય પી અમૃત તુજ રૂપ કેરાં

હૈયાની ભૂખ શમવી હતી કૈંક વેળા.

લાલ લાલ! ગિરિધારી લલા, લાલ!

(સોનેરુ)

સોનેરુ ઓ!

પીળાં પ્રફુલ્લ ફૂલ,પ્રૌઢ વિશાલ કાય,

ને ઘેરી છાંય વપુની કિરીટીસખા શી!

તું પૌરુષે સભર પ્રેરક સારથી શો!

ગાત્રો ગળે જીવન-યુદ્ધ મહીંય જ્યારે

તું એક કૃષ્ણ સમ પ્રેરક વર્તમાન

સંમોહ, સંભ્રમ ભૂલું તુજ પ્રેરણાથી;

સોનેરુ! તેં જય ૫રાજય કૃષ્ણ જેમ

મારા અનેક નીરખ્યા;

છે તું હિ પીતાંબર, પાર્થસારથિ!

રસપ્રદ તથ્યો

કેસૂડો અને સોનેરુ = કાલિદાસે દેવદાર વિષે કહેવડાવ્યું છે : अमुं पुरः पश्यसि देवदारुं पुत्रीकृतोङसौ वृषभध्वजेन। એ પ્રમાણે કેસૂડાને નંદકુંવર કહ્યો છે. Laburnumનું આસામી નામ 'સોનેરુ' કાકાસાહેબ કાલેલકરે આપ્યું છે. આ બંને કાવ્યોમાં આરાધના અભિપ્રેત નથી.

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
  • વર્ષ : 1959