kavione paripatra - Metrical Poem | RekhtaGujarati

કવિઓને પરિપત્ર

kavione paripatra

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
કવિઓને પરિપત્ર
પ્રિયકાન્ત મણિયાર

(પ્હેલો રવાના પ્રિયકાન્તને કર્યો)

ગોપી કને દાણ હવે લઉં ના,

ખાલી પડી ગોરસની મટૂકી,

વર્ષો થયાં ગોકુલથી ગયાને

સ્થંભી ગઈ ક્યારની રાસલીલા;

ના એની તો યમુના વહે છે,

કદમ્બના વૃક્ષ સમુ વિલાયું

વ્હાલું હતું જે વ્રજ લીલું લીલું;

મીરાં, દયારામ અનેક તે પછી

ભજી ગયાં ભાવ પ્રચૂર્ણ, કિન્તુ

વિચિત્ર છે સામ્પ્રત ચિત્ર કૈંક.

મારી પ્રીતે ગીત તમે કર્યા કરો,

પ્રીતે તમારી કશુંયે કરો નહિ;

પ્રતારણા - પ્રીત - પ્રયોજવા છતી

મારા થકી કાળ વિશેષ ગાળો

દીઠી નહીં તે સહ રાધિકાની.

વર્ષો થયાં શબ્દ એક બોલ્યો,

હવે પછી ગુર્જર ગીતકારો

ક્યાંયે કર્યું કાવ્ય કશુંય કૃષ્ણનું-

એક્કેક આનો કૃતિ દીઠ લૈશ હું

(ખિસ્સે તમારે યદિ લભ્ય હોય તો!)

ગોપી કને દાણ હવે લઉં ના...

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, ૧૯૭૮ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ