દલપતરામ
Dalpatram
(ઉપજાતિ વૃત્ત)
અહો જુઓ આ વછિયાત એક,
લાવ્યો દિસે અન્ન ભરી અનેક;
છએ ઋતુનું પય હોય ધાવ્યો,
એવો જુઓ કાર્તિક માસ આવ્યો.
*
સેના સજે ભૂપતિ ઠામ ઠામ,
ગ્રામાંતરે જૈ કરવા મુકામ;
સેનાપતીનું પદ હોય લાવ્યો,
એવો જુઓ કાર્તિક માસ આવ્યો.
*
વિશ્રામના માસ વિતી ગયા છે,
ઉદ્યોગના માસ હવે થયા છે;
શિશુપણાના દિન જેમ જાય,
ઉદ્યોગને યોગ્ય જુવાન થાય.
*
ખેડૂજનો જો કણ ઊપણે છે,
છોડાં અને અન્ન જુદાં પડે છે;
સંગ્રામનો સંચર જેમ થાય,
શૂરા રહે કાયર દૂર જાય.
*
એવી રીતે કાર્તિક તો સિધાવ્યો,
હવે જુઓ આ મૃગશીર્ષ આવ્યો;
જો ધામ સૂર્યે ધનુ રાશિ ધાર્યું,
જાણે ધર્યું ચાપ શિકાર સારુ.
*
રાત્રી વધી લાંબી ઘણી જણાય,
જો છેક ટુંકું દિનમાન થાય;
કોઈ સમે જેમ ઘટે સુધર્મ,
વળી વધી જાય અધર્મ કર્મ.
*
સીતાફળીના ફળ ખૂબ પાક્યાં,
લેતાં વિણીને જન જૂથ થાક્યાં;
જાણે શિયાળો પરદેશી આવ્યો,
મનુષ્ય માટે ફળ મિષ્ટ લાવ્યો.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
