kakko saraswatini khan - Metrical Poem | RekhtaGujarati

કક્કો સરસ્વતીની ખાણ

kakko saraswatini khan

બલવંતરાય ઠાકોર બલવંતરાય ઠાકોર
કક્કો સરસ્વતીની ખાણ
બલવંતરાય ઠાકોર

ક કરવાં તો સારાં કામ :

ખ દુઃખ ખમતાં ધરવી હામ.

ગ ગણ ઋણ હક ચોખ્ખી રીત :

ઘ ઘરમાં સૌથી ધર પ્રીત.

ચ ચારિત્રે જન જિતાય :

છ છળકપટે સૌ દુણાય.

જ જન્તુ પ્રત્યેકે જીવ :

ઝાડ બીજ પણ જાણ સજીવ.

ટ ટંટા નવ વ્હોરો કદા :

ઠ ઠઠ્ઠા અતિથી આપદા.

ડ ડર એક પ્રભુનો ધરો :

ઢ જે ઢંગે નહિ પાધરો.

ત નવ તપ ક્રોધે લવલેશ :

થ થડને દૃઢ વળગ હંમેશ.

દમામ પોલે લોકો હસે :

ધન લોભે નીતિ પણ ખસે :

નાગો સૌથી 'ખસ! ખસ!' થશે.

૫ પળ પણ ન નકામી ખુઓ :

ફ નેકીફળ મીઠાં જુઓ.

બ બોલીથી પોત જણાય :

ભ ભીખે નવ પેટ ભરાય.

મ મગરૂરી ખત્તા ખાય :

યશ છે દુર્લભ વળી હવાઈ :

રંકરાયને ન્હોય સગાઈ.

લક્ષ્મી ચંચળ, આવે જાય;

વેણ સાથે વક્કર વ્હૈ જાય.

શ શંકર સૌનું શુભ કરે :

ષ ષટ ગુણ ષટ અવગુણ ખરે.

સ સહકારે સંપત વડી;

હળ કણ દે તું ગાલ્લે ભરી.

કક્કે સ્વર ભળતા દશચાર,

વળી જોડ મીંડાં ન વિસાર.

અનુક્રમે ઊતરીએ પાર.

અદબ અકારે નિત કર યાદ :

આળસ છે ત્યાં કશી મુરાદ!

ઇએ ઇમાન ન ક્ષણ વીસરો :

ઈ છે ઈશ ચરાચર ભર્યો.

ઉ ઉંમર ઘડી ઘડી વ્હૈ જાય :

ઊ ઊજમથી ઘણું પમાય :

ઋ ઋષિ સન્ત જગે વદાય :

ઋથી શબ્દ ન કો મંડાય.

ઍ ન ઍબ કોઈનીથી રાચ :

એકલ તોય ન તજવૂં સાચ :

ઑ ઑખાતે જણનું માપ;

ઓ ઓશિયાળો ખૂએ આપ.

ઐ ઐક્યે છે ચડતી સદ્ય :

ઔઠ હાથ કાયાનૂં કદ.

આંખની અંદર કીકી જુઓ :

માંહ્ય બ્હાર આત્મા અનુભવો.

કક્કો સરસ્વતીની ખાણ :

કક્કે વસી સુનીતિ જાણ :

કક્કે બલ જય ઉદય પ્રમાણ :

કક્કો પ્રગતિદાતા માન :

કક્કાથી ૐકાર જ્ઞાન.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ