jya tu tya hu - Metrical Poem | RekhtaGujarati

જ્યાં તું ત્યાં હું

jya tu tya hu

કલાપી કલાપી
જ્યાં તું ત્યાં હું
કલાપી

ચિન્તાક્રાન્ત મુખે ખરે ટપકતાં અશ્રુ ઉન્હાં મોતી શાં,

તારાં શાં વિગલિત ગાત્ર વનમાં વૃક્ષે અઢેલી રહ્યાં!

મીઠું કાંઈ મુખે લવી પ્રિય, અહા! નિશ્વાસ ધીમે મૂક્યો,

તે સૌ હું નજરે રહું નિરખતો, સૌભાગ્યશાલી બન્યો!

કેવી શાંત નિશા! જરી પવનથી ના ડોલતું પાંદડું!

કેવું ચંદ્રપ્રકાશથી ચળકતું આકાશ ઉજ્જવળું!

હા હા! સમયે પ્રિયે! હૃદયથી કાં ના લપેટે મને?

કાં તારું મન શોકથી ઊભરતું શંકાભરેલું? અરે!

હા, નિદ્રાવશ તું બની, કમલ શાં નેત્રો મિંચાઈ ગયાં

નીલા ઘાસ તણી બિછાત પર અંગો પડ્યાં શાન્તિમાં;

આંસુના પડદા વતી નયન તો મારાં થયાં આંધળાં!

લૂછ્યા ના પણ ઉષ્ણ શ્વાસ દિલને અશ્રુ સુકાવી દીધાં!

સૂજે, પ્રાણ! સુખે રહી નિડર તું, તારો ઊભો દાસ આ,

તે સ્પર્શી તુજ ગાલ લાલ અધરે ચૂમી લેશે, પ્રિયા!

શાંતિમાં તુજ ભંગ નહિ કરે આલિંગી બંને ભુજે,

સૂતી સિંહણ, કોણ ક્રુદ્ધ કરશે તેને જગાડી? કહે!

જોશે ભાગ્ય ગણી ઊભો અધર જે જુદો રહ્યો ઓષ્ઠથી,

જેણે કો દિન મિષ્ટ ઊચરી શાંતિ પમાડી નહીં;

માયાળુ નહિ તોય ક્રૂર દિસતી નિદ્રસ્થ પ્યારી નહીં,

એવા દર્શનને વિલોકી બનશે પ્રેમાર્દ્ર હૈયું સુખી!

વ્હાલી પૂર્ણ સદોષ છે, જખમ કારી કર્યો કાળજે,

તોયે તે મમ ગીતની અસરથી નિશ્ચિન્ત સૂતી રહે!

મારું વજ્ર સમું કઠિન દિલ ચીરાય ઘાથી નહીં,

હું તો ના નહિ તો રડું ટળવળું જ્યારે સુખે સૂતી!

સંયોગી તુજ ના બન્યો વિરહમાં જીવું બની ભસ્મ હું!

પ્યારી! શું દુઃખદાહ, શું જીવિત છે પ્યારું મને એવડું

એવું શું બનશે, પ્રિયે! જગતમાં તારા વિના હું જીવું?

તારી ખાક લગાવી અંગ પર શું બાવો બની હું ફરું?

તારાથી મુજ દ્વિધા નહિ બને હૈયું, પ્રિયે મૃત્યુથી,

મારી તું નવ લેશ ઓછી બનશે કાલરાત્રિ થકી;

તું જાતાં નહિ હું રહું, જીવિતનો લોભી નથી હું નકી,

તું સ્વર્ગે કર વાસ, કે સમજજે દાસ ઊભો તહીં.

તારાં કોમલ ગીતડાં મધુરવાં હું સાંભળી એકલો

ઘેલો મસ્ત બનીશ સ્વર્ગ ભૂમિમાં કો બાલ નાના સમો;

કેવી સુંદર લ્હેરીઓ અનિલની, તારા રૂડા બાલની

સેરો રેશમના સમી, નિજ કરે સ્પર્શી હશે ચાલતી!

કેવી મોહક વાટિકા, વનઘટા, પુષ્પો પરાગે ભર્યાં!

કેવા રંગીન ત્યાં હશે મધુકરો સંધ્યા સમે ગુંજતા!

તારી શાલ સુવર્ણરંગી ચળકે સાડી ઝીણી ઉપરે!

તેમાંથી તુજ દિવ્ય સૌ અવયવો દેખાઈ આછા રહે!

ત્યાંયે નાજુક વૃક્ષની વનઘટા માંહી છૂપેલો રહી,

તારા સૌ સુખના વિચાર રસીલા કલ્પી બનું હું સુખી;

હા! અદૃશ્ય સદા રહી તુજ કને જ્યાં તું ભમે ત્યાં ભમું

જેથી હું નવ ક્લાન્ત એક પલકે તારાથી જુદો રહું!

તું ચૂંટે મધુ પુષ્પ કોમલ કરે તે ના ગ્રહું હું કદી,

વા ના દાબીશ સ્નિગ્ધ તે અધર હું લોભાઈ પીયૂષથી;

તારાં ચંચલ નેત્રનાં ઝરણમાં ડૂબ્યો રહું સર્વદા,

તારી નાજુક પાદપંક્તિ પરની ધૂલી લગાવું શિરે!

હિંડોલા સમ ઝલતું જલભર્યું કાસાર ત્યાં સ્વર્ગનું!

પુષ્પોની ખરતી સુગન્ધી રજથી બહેકી રહેલું બધું;

સોનેરી ઢગ રેતના ચળકતા ભીના બનેલા જલે,

આવી શાન્ત નિશા શશી સહ હવે તે સૌ પ્રદેશો પરે.

શોધી તીર કદમ્બની સુખભરી છાયા ઘડી ત્યાં ઊભે,

રેલી છે સહુ પાસ રેલ શશીની તે જોઈ તું તો હસે;

ઇચ્છા સ્નાન તણી થતાં ચમકી તું ચોપાસ ભીરુ જુએ,

નાના! હું નજરે કદી નહિ પડું : છું વૃક્ષડાળી પરે!

તોડે ગાંઠ છૂટતાં કર વળી તું એક ચોળી તણી,

લજ્જાળું મન નીવિબન્ધ છૂટતાં શર્માઈ સ્તંભે જરી;

તોયે વસ્ત્ર સરે, પડે સરકતું, તે વિશ્વ જોતું રહે,

ને કૌતુક તો બધું નયનથી પી જાઉં છું હું ખરે!

હા હા! દેહકળી દિગમ્બર બની પ્યારી ખીલી નીકળી,

ઊડ્યા કેશ લપેટવા સ્તનતટો ને કેસરી શી કટિ,

બે બાહુ કમલો તણા રસિકડા છે દંડ નાના સમા

સ્કન્ધે ને સ્તન-કોતરી બરફના પ્હાડેથી જાણે લીધાં!

ધીરી ઉદ્ધત છે ગતિ તુજ, પ્રિયે! શી મોહમાયા દિસે!

તારું ભવ્ય કપાલ સ્ફાટિક સમું તેજ ભર્યું છે ખરે;

જંઘા છે કદલી, ગુલાબ-ફૂલડાં હાથેલીઓ હાથની,

લાંબી ડોક કપોત શી તુજ, પ્રિયે! ભ્રૂની લતા ચાપ શી!

ચાલે બે ડગલાં નિરંકુશ બની, પ્હોંચી કિનારે હવે,

તારી નાજુક તું છબી નિરખતી, ઊભી તટે, વારિએ;

કેવાં સ્વર્ગતડાગનાં મધુરવાં મોજાં કૂદી આફળે!

તે કેવાં તુજ પાદને રમતમાં ચુમ્બી ઊડે છે હલે!

મારી અસ્થિર છે છબી સલિલમાં તે જોઈ કંપી જરા,

રીસાઈ મનમાં, ડરી ચમકી તું, ધ્રૂજી પડી વારિમાં;

નીચી મંજુલ આકૃતિ જલ તણું ચીરી કલેજું ગઈ,

કુંડાળું જલમાં પડ્યું ખળકતું, હું તો રહ્યો જોઈ તે!

આવું સ્વર્ગ, વળી જહીં પ્રિય વસે, તે હું છોડું કદી,

તું સ્વર્ગે કર વાસ કે સમજજે દાસ ઊભો તહીં;

પ્યારી! કાં રડતું? અરે દુઃખભર્યા સ્વપ્ને વિંટાઈ હતી?

પ્રેમીલા તુજ દાસને દુઃખ દીધું તે શું વિચારી હતી?

રે! નિદ્રા! રજની મહીં સ્તવન હું તારું કરું છું સદા,

ઇચ્છા હું પ્રિયની સખી સમજીને તારી કને માગવા :-

'વ્હાલીને સમજાવ પ્રીતિ કરવા : કાંઈ દયા લાવવા;

જેથી સુખમાં ઊઠી હૃદયથી ચાંપી મને લે પ્રિયા!'

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004