વનો છે શ્યામલ
vano chhe shyamal
રોબર્ટ ફ્રોસ્ટ
Robert Frost

કોનાં આ વન, છે જ તો મારી જાણમાં,
છે જોકે ઘર તો ભલા એનું ગામમાં.
ન થંભતો આંહીં મને નિહાળશે
જોતો ભરાતાં વન આ હિમપાતમાં.
મારા નાના અશ્વને લાગતું હશે
વિચિત્ર રોકાણ આ, ન મકાન તો કશે.
વનો, થિજેલા વળી આ તળાવની
વચ્ચે તમિસ્રાભરી સાંજ શી લસે!
હલાવીને હય ઘંટડીઓ ધુરા તણી
જાણે પૂછે : નથી ને કંઈ ભૂલ આપની?
સ્ફુરંત હળવા સપાટા હવાના
ને રેશમી હિમફર્ફર માત્રને ધ્વનિ.
વનો છે શ્યામલ, ગહરાં, મજાનાં,
પરંતુ મારે છે વચન પાળવાનાં,
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના,
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના.
(અનુ. ઉમાશંકર જોશી)



સ્રોત
- પુસ્તક : કાવ્યાયન (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
- વર્ષ : 1972