રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશબવાહિની પે
સવાર થઈને પુર–બહાર ચાલ્યો!
બીજા સહુ પેદલ, તેની વચ્ચે
રે વાહનારૂઢ હું એક કેવળ!
થયું મને : આખર તો ખરું પડ્યું
જોષીતણું વેણ : ‘અવશ્ય આના
પ્રારબ્ધમાં વાહનયોગ માંડ્યો!’
ને
પ્રસંગ ગંભીર, છતાંય હુંથી
હસી પડાયું અતિ જોરશોરથી,
દંભે ભર્યા ક્રન્દનના સ્વરોમાં!
સ્પર્ધા જણુ ચાલતી આસપાસ
વધુ અશ્રુઓ કોણ શકે વહાવી
ને કોણ ઝાઝો
આક્રન્દ-ઘોંઘાટ શકે જગાવી!
ને કોણ પહેલાં ખુટશે :
પાખંડ-અશ્રુ? અથવા ચિતાપથ?
એ હાસ્ય આક્રન્દ ત્વરાની ધાંધલો
ને જાતને યે નવ છેતરી શકે
સ્વયં-સ્રજ્યા એ સહુ ભ્રાન્તિ-ભૂતલો
વીંધી નિહાળ્યું :
સહસા પડી નજર
સૌથી તરી દૂર,
(આક્રન્દથી યે!)
શમ–રુદ્ધ આવેગથી, ધીર, વેગે
સમાન્તરે દોડતી આવતી તું પે!
સાથે વસી,
સાથે શ્વસી, શ્રેયસિ, શોણિતે લસી,
સાથે જ જો હવે
ચિતાગ્નિ–તદ્રૂપ થવા રહી ધસી!
શી રીત, ક્હે ને,
સમજાવું હું તને
કે
વળી જા તું, વહાલી,
નટવૃન્દ આ, તેહની સંગ શોકે
ના વ્યગ્ર થા લેશ તું ઠાલી ઠાલી!
જો તો ખરી અંતરમાં પ્રિયે તું :
શ્વસુ, હસું, ઉલ્લસું, પૂર્વવત્ હું!
શબ–વાહિનીમાં શબ જે પડ્યું આ
નિઃશંક મારૂં! પણ ફક્ત શબ એ!
તું નિત્ય કહેતી :
‘જુદું હું લખું શેં?
તું જે લખે છે, તે હું જ લખતી :
તારે કરે લેખિનીરૂપ ધારી,
વિહાર કરતી નિજને નિરખતી!’
બસ એ જ રીતે, પ્રિય, ઉલ્લસે છે
ચૈતન્ય મારૂં જ્યહીં તું લસે છે!
નટમંડળી આ : ખુબ થાકી થાકી
આ માટી મેં તેમની સંગ હાંકી!
બારી હું તો ક્યાંય ન જાઉં દૂરે :
વહ્યા કરૂં જો, તુજ ઉર–પૂરે!
ના દોડ અમથી મથી માટી વાંસે
વળી જા મને વહેતી મનોનિવાસે!
ને ટ્રેઇન પ્લેટફોર્મ તજી ગઈ, ને
દેખાતી એ દોડતી બંધ થઈ, ને
ભીંજાતી આંખો...મેં બારીએથી
ઉખેડી ત્યાં એ હસી બોલી હૈયે :
‘જોયું તમે!
છે સહેલું આશ્વાસન દેવું અન્યને!’
સ્રોત
- પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 1)
- પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
- વર્ષ : 1964