jatoto suwa tyan – - Metrical Poem | RekhtaGujarati

જતો'તો સૂવા ત્યાં –

jatoto suwa tyan –

રામનારાયણ વિ. પાઠક 'શેષ' રામનારાયણ વિ. પાઠક 'શેષ'
જતો'તો સૂવા ત્યાં –
રામનારાયણ વિ. પાઠક 'શેષ'

[શિખરિણી]

જતો'તો સૂવા ત્યાં ડસડસ સુણી રોતી સજની,

ગયો; દીઠી ડુસ્કાં ભરતી ઉશીકે મોં ઢબૂરીને;

બિછાને બેઠો જૈ, ઊંચકી મુજ સ્કંધે શિર મૂક્યું,

કપોલે પંપાળી, નયનજલ ભીંજેલ લમણે,

શિરે, પૃષ્ઠે આખે કદલીદલ લીસે, ફરી ફરી

અને અંગે અંગે મૃદુ કરથકી થાબડી બધે.

ન રહે તોયે છાની! હિમ શી મુજ એ ગૌર પૂતળી

ગળી જાશે અશ્રુમહીં જ હિમ શું? એવી જ રુએ!

પછી જેવું ઘોડાપૂર વહી જતાં સિન્ધુ નીતરે

રહે કૈં સંક્ષોભ પ્રતિલહરીમાંહી ધબકતો;

શમ્યું તેવું તેનું રુદન, રહ્યું કૈં શેષ શ્વસને;

સુવાડી ત્યાં ધીમે, શયનતટ બેઠો નજીક હું,

અને એ વીંટાઈ, તરુ ફરતી વેલી સમ, સૂતી,

મૂકીને વિશ્રંભે મુજ ઊરુ પરે શ્રાન્ત શિરને!

નિશા આખી જેવું ટમટમ કરી વર્ષતી રહી

કરે ઘેરું વાતાવરણ બધું, ને એ જ જલનાં

કણોથી પો ફાટ્યું, અજબ મધુરું ઉજ્જ્વલ હસે!

હસી તેવું, અશ્રુ હજી કહીં ટક્યાં ઉજ્વલ કરી!

રડી શું ને પાછી હસીય શું? ન જાણ્યું સજનીએ,

હું તો શું? ને ભાગ્યે સમજીય શકે મન્મથ સ્વયમ્!

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012