jalna paDgha paDya kare - Metrical Poem | RekhtaGujarati

જળના પડઘા પડ્યા કરે

jalna paDgha paDya kare

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
જળના પડઘા પડ્યા કરે
હરિકૃષ્ણ પાઠક

જળના પડઘા પડ્યા કરે

સ્થળકાળથી પાર વિસ્તરે

ઝમતા ક્યહીં ગૂઢ ગહ્વરે

અનિમેષ દૃગો વિશે ઠરે.

નભ રક્તિમ ઝાંયથી ભર્યું,

વન સોનરજે શું આવર્યું,

લવ પંખ-હવા શું ફર્ફર્યું

મન-બૂડ કશુંક જૈ ઠર્યું.

ક્યહીં કર્બુર શ્યામ વાદળી,

ક્યહીં સોનલ રેખ છે ઢળી,

ક્યહીં રુક્ષ ધરા બળી-ઝળી,

સ્મરણો સહુ જાય ઓગળી.

ક્ષણના તરતા તરંગમાં

રમતી’તી હજી ઉછંગમાં

મનમોજી મનસ્વી રંગમાં;

નિયતિ હસતી'તી વ્યંગમાં.

ક્યહીં ગુનગુન ગીતનિર્ઝરી,

ક્યહીં નૃત્યની ઠેક થનગની,

ક્યહીં રૂપની રેખ વિસ્તરી

હરતી ફરતી કલાધરી.

નમણી મધુવેલ માધવી

રમતાં રમતાં ખીલી હતી;

મનને ક્યમનું મનાવવું–

ન'તી, ભાગ્ય મહીં લખી ન'તી.

વણનોતરી આપદા ખડી,

અણચિંતવી આંધીઓ ચડી,

વિણ ગર્જન વીજળી પડી

ભરખી ગઈ કાળની ઘડી.

વિધિ રે, કંઈ કેર તેં કર્યો,

અપરાધ ન'તો કશો ધર્યો,

ભવ-વૈભવ ભાદર્યો-ભર્યો

પળમાં ન-હતો હતો કર્યો!

હૃદયે રહી શલ્ય થૈ સ્મૃતિ;

અવ ધારવી કેમ રે ધૃતિ;

નિર્માઈ થવા સ્વયં કૃતિ

રહીં કેવળ સ્વપ્ન ને શ્રુતિ.

સ્મરણો લઈ જીવવું હવે,

સ્મરણો મહીં ઝૂરવું હવે,

રહ્યું જે કંઈ શેષ આયખું

સ્મરણો થકી પૂરવું હવે.

જગની સઘળી જળોજથા

વહતા રહીશું યથા તથા,

અવશેષ મહીં નરી વ્યથા,

પરિપૂરણ થૈ જશે કથા.

રસપ્રદ તથ્યો

દૃગો : આંખો. લવ : અલ્પ પ્રમાણ. કર્બુર : કાબરચીતરું. કલાધરી : કલાજ્ઞાતા.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 357)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004