arohan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(મુક્ત પૃથ્વી)

[Up up and aloft

Soar away into the undomed ever-resplendent

Empyrean!

(અનુવાદ) ઊડ! ઊડ! ઉચ્ચ ઉચ્ચ ઊડ! ઊડ!

અંતરિક્ષ મોડ અતટ ને સદા જ્વલંત

સ્પર્શ, જૈ ઊડંત!

***

જાણો આત્મા બલહીને અલભ્ય. ઉપનિષદ]

***

સખે, હૃદય, ક્યાં હશો? પથ ક્યો ચડો સમે?

ચડે અવર કોઈ સંગ, થઈ કે રહ્યા એકલા?

અને નયન જે સદા મધુર દીપતાં, તે હજી

લસે અસલરુપ, કે કંઈ શું થાકઝાંખાં થયાં?

જરા વિષમ ચડાવ, સહુ સાથી હારી ગયા,

વળ્યા પગથી અન્ય, જે ઊતરતી તળેટી તળે.

બપોર સહુ ગાળશે સ્ફટિક કો ગુફાકુંડને

લટી હિમશિલાતટે, નીરખતા નીચે દૂરનાં

વિસર્પી સરિતાકુલો, ઉટજકુંજગામો છૂટાં,

અને વનવીંટેલ ખેતરસમૃદ્ધિવાળી ખીણો.

મને પણ ઘણું કહ્યું ઊતરવા નીચે સાથમાં,

પરંતુ ચડવું હજી ચડવું મારી તૃષા.

ચડું, વળી ઊભો રહું, પ્રતિપદે દિશાઓ ખસે,

સુતીક્ષ્ણ નયના બને ગહન તત્ત્વ ઉકેલવે,

નિહાળું જગચિત્રની પલટતી છાયા પ્રભા,

વિવેચું કઈ જીવતી નિધનવાહી રેખા કઈ;

વિલોકું નર, ચીનતો પ્રકૃતિસત્વ નારાયણ,

અને વિધિસમુદ્રમાં નીરખું ભંગ સંકલ્પના.

જલો અવનિનાં સજી અનિલપાંખ નિર્મલ બની

તરંત ખગમાલ સંગ નભઘુમ્મટે સે'લતાં,

સૂવે ઢળતી ઝાડગોળમય નીલ શય્યા વિશે,

રચે ઝૂલતી લગ્નગાંઠ કર સાહી તરુવેલના;

ભરે કુસુમ પ્યાલીએ સ્ફટિક, મોતી વેરે દલે,

શકુંતકલગી ખચે ચળકબુંદ હીરામય;

વિદગ્ધ તરુ ઢાંકતાં ક્ષણ કરે કપિય શોભતા,

શિલા પણ પરિધ્વજે કઠણમાં સરી કોમલાં.

વસે અહીં મઠો વિશે ‘મૂરતિઓ’ ધરી ખાખ ને

વિરાગ વદને પરંતુ ઉર તો નર્યાં દુન્યવી.

નીચેથી ગૃહીઓ તણા સતત ‘પંચભાગો' વળી

‘પ્રસાદ’ ચડતા અહીં, જઠર એખ ભરતા એ;

ચડે ઉપર ભાવિકો, ઉરઉભંગી જાત્રાળુઓ,

ધરે ‘ફૂલ ન, માત્ર સ્વલ્પ ફૂલપાંખડી,' તે ગ્રહે,

ઘણી ગિરિની ઔષધી, વન અનંત ફાલ્યાં ફળ્યાં,

કુઠારી, વળી કાછિયા, કણબી, માળી, વૈદ્યો અને

વિવેકહત દર્દીના અધમ ઊંટવૈદ્યોય એ:

સમાધિછલ જાણતા, ‘ભૂરકીશક્તિ સાધી અમો?’

- બડાઈ અવરે બકે, કપટ બ્રહ્મચારી, સદા

અધોગતિ સ્વીકારતા ચસચસી ગાંજાકળી.

સ્મરે કવિ કહ્યું તમે, ‘કુદરતે બધું સુંદર,

અને ફક્ત માનવી અધમ! તે અહીં તો ખરું.

અરે નિચે નહીં: અહીં પણ કદાપિ કો વીરલા

મઠો તણી શિક્ષાભૂમિ કઠણ વીંધી મૂલો ઉંડા

(તજી પતિત વર્તમાન) યુગ ભૂતથી લાભતા

પુરાણુ ઋષિયેાગીનાં તપ શમે અને જ્ઞાનમાં

સમોવડ બની રહે, હૃદય બુદ્ધિ આત્મા તણા

પ્રસારી વળી કૌમુદીધવલ સૌમ્ય કિરણો સદા

દીસે જડ સુષ્ટિએ ચરત કો’પિ સૌહાર્દ તે!

ચડું ઉપર હા! સખે, વિકટ ચડાવે તમે

નહી નિકટ; કર ચહે તમ ખભો જૂની ટેવથી.

નથી પગથિયાં રચ્યાં; પથર ધારવાળા લીસા,

અને અણિ'લ કંટકી નિબિડ ઝાડી કારમી!

પદેપદે વળું નીચો, ઉઝરડે વીંધાતો વધું,

ક્યંહી દૃગ ચડે વળી પદવિ વ્યાઘ્ર ચિત્તા તણી.

અહા, ગઈ ઝાડી, ઝળ્હળત ઉપરે વ્યોમ શું!

—અરે પ્રખર સૂર્ય, સત્યવર વત્સને શો દમે!

દીસે કુદરતે અહીં રચ્યું શિલા તણું આસન,

તપાવ્યું રવિએ, તથાપિ ઘડી થાક ઉતારું હું.

ચડ્યો નીરખું પથ તે; જલરસો નીચે રહ્યા

જણાય જણાય સૃષ્ટિ સુંદર ગૂંથેલ રંગેલ એ.

હવાદલ વિશાળ લસત ભૂખરું, તે મહીં

સરે રસળતાં મીન, ખગવાદળાં ડૂબ્યાં!

પ્હરે સુઘનશ્યામ છાય નિજ મોહબુર્ખે પૂરી

લપેટી જતનેથી ખીણ ફુસલાવી હૈ લોચન!

અહા, સ્વર મીઠો! ફરી! નગર શું ગધર્વનું?

ફરી રણકો! અહો અનિલ, આવ રમ દિશે!

પડેલ તજી દીધ ઊંચી ટૂંકો વિશે મંદિરો,

રહ્યાં વિવિધ પંથ ને શતક લુપ્તનાં સ્મારક,

ધરે હજી સુકંઠ પર; અનિલો યાત્રી મિષે

વગાડી રમતાં, દિગંત ઘૂમતા વહે સ્વર,

સુણાવી અહીં ત્યાં કરે ચકિત લોક વ્હેમી ભલા.

અહા મધુર ઘંટ મંદિર વિશે યદૃચ્છાનિલે

થતા મુખર, શો વિષાદ પ્રકટો તમે ઉરે!

રહ્યો શું પૂર્વજ મહાપ્રબલસત્વ આર્યો તણો

ત્રિકાલજિત ધર્મ, -ઘંટ રવ મિષ્ટ કેવલ?

અહો જગતવંદ્ય ધર્મદ્યુતિ સેવતા પૂર્વજો,

ભગીરથ તપોબલે જગરહસ્ય લાભ્યા તમે;

સ્વછંદિલ વહંત વાયુલહરો, કદાપિ વહે

સ્વરો તમ, તે સુણાય પૂરતા, સમાય વાઃ

કદાપિ નજરે ચડે હૂબહૂ મૂર્તિ તમ ધર્મની,

નિજ પ્રકાશ, રાખ કજળેલ સ્ફુલ્લિંગ શો

નપુંસક, શકે કરી પ્રગટ અન્ય આત્મા વિશે.

ગઈ ઘણી પ્રજા, થયા સ્મરણશેષ ધર્મે ઘણા;

રહ્યાં વચન એમનાં,–ફક્ત કલ્પના સુષ્ટિ

પુરાવિદ તણી પુરાણ ઇતિહાસ સાહિત્યની!

સજીવન ઉદાત્ત ના ચરિત એહ સર્જે હવાં.

જશે ગરવી આર્યજાતિ, બ્રહ્માનિ પુત્રી વડી?

ત્રયી શમી જશે શું ક્ષીરપયસાંબુધિ અતલમાં?

થશે શું ભારત યુનાની હોમર તણાં મહાકાવ્ય શું?

નહીં શિલા ધરી, ક્રૂસ શું ધારશે મંદિરો?

ક્રૂસ શશીધજા કળશ નાપિ ગુંબદ શિખર,

મંદિર મસીદ દેવળ, ધર્મ નામેાનિશાન,

સમાજ પાર્થિવ નર્યો અથવા હશે શું ભાવી તણો

બીજે મુલક તેમ ભરતમંડલેયે હવે?

સખે, ઉર તૂટે રુંધાય જીવ કાલઓથારથી

અને મુજ વિશે બળે અયુત આર્યકુલ પિત્રિઓ.

પ્રભો, કિરણુ આશનું! ધરતી કોરી દુષ્કાળમાં

ચહે સલિલજ્યોતિ મેઘ, ઊગરે યથા સંતતિ!

ચડું ઉપર. હોંસ ના; ફક્ત પૂર્વ નિશ્ચયવશે

વધે પગ, પડે કઠોર પડઘા પદાઘાતના

અવાજ પણ સુથે પલ મહીં સૂના સ્થળે,

મળી ડૂબી અશબ્દમાં ગળી જતો, થતો ના થયો.

વસે શ્વસી લસી રહે સ્વયમભોમ શાંતિ અહીં,

ગંભીર, તલહીન–જે જગતમેલ આત્મા તણા,

કંઈ જગતપાપડંખ, દુખ સ્થૂલ સૌખ્યો તણાં,

ઉતારી ભૂલવી દઈ રૂઝવી. અંક પે।ઢાડીને

કરંત સ્વીય ધામયોગ્ય ભ્રમભટકભ્રાંત આત્માશિશુ!

અનંત અવકાશવ્યાપિ હિતવાંછુ ચેતન ઉર!

અનંતપટ કાલના અતૂટતંતુ તેજોમય!

અનંન જીવયોનિના સગુણ કોટિ સંકલ્પના

અનન્ય સમ સૌમ્ય આદિ અયસાન સંકર્ષણ!

અનંત મુખ જે સ્ફુરે, સ્ફુરણ માંહી જીવી રહે

વિચાર અભિલાષ ગાન રતિ, તેહના ભાસ્કર!

સમર્પિત ઉરે ભજે સરલ દીન શિશુભાવથી

અનેક યુગદેશવંદિત મહાનુભાવો તને;

પીતાં મૃત સજીવની દ્યુતિલ વારૂણી તાહરી

બને સકલ દેશકાલ લખરુપ ઝાંખા દૃગે,

રગેરગ વહે ચડે બલખુમારી શ્રદ્ધા તણી.

જશે કઈ પ્રજા! પડે કડડ ભોંય શું રાજ્ય કો?

થશે અમુક ધર્મ સંસ્કૃતિ તણું ગ્રહણ કે કદા?

ભલે વિવિધ ખેલ કાલ નટરાજ ખેલ્યા કરો,

ભલે પ્રલય ઊતરો! અર્થ નવૈવ મન્વંતરે!

——વસે તું નિજ રંગમાં, સકલ સૂત્ર તુજ હાથમાં!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ - 2 (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973