Itala - Metrical Poem | RekhtaGujarati

ઈંટાળા

Itala

સુન્દરમ્ સુન્દરમ્
ઈંટાળા
સુન્દરમ્

મળે છે માર્ગમાં મારા ઈંટાળા વીસત્રીસ કૈં,

મળેલા અલીબાબાને લૂંટારા જેમ ચાલીસ.

બેઠેલા પેંતરા બાંધી ફસાવા માર્ગગામીને,

આમ ને તેમ વેરાઈ પડ્યા છે દુષ્ટ બધા.

દિવસે સભ્ય વેશે વ્યવસ્થિત વસ્યા દીસે,

શિશુનાં ઘરની ભીંતો, ઈરાનીના ચૂલા બની.

કિંતુ રાતને ટાણે પલટે વેશ-પેંતરા,

માહરાં ટાયરે વાગે ભચોભચ બની છરા!

જાળવી જાળવી હાંકું તોય મત્સ્યશા ધસી,

કોમળાં ટાયરો મારાં ભરખે છે ડસી ડસી!

તેઓ અહીં ફરલાંગ અર્ધના

પંથે વસે, નીમ તરુની છાંયમાં,

કોઈ કદી દૂર જરાક જૈ પડ્યા,

છે ભામટા સૌ દિલના સદા બળ્યા!

કોઈ અહીં કેવળ માટી રૂપમાં

ઢેફાં સ્વરૂપે, કંઈ ઈંટ કાચી

બની પડ્યા છે, પથરાય કૈંક તો

પાક્કા ઘણા ઈંટ તણા સ્વરૂપમાં.

અભ્રવર્ણા, વળી શ્વેતકાય,

કે રક્તવર્ણા, અભિરામદેહી,

સૌને શિરે મંડિલશી દીસે વસી

કાળાશ, જે ધૂમ ગયો તહીં રસી.

કો આવિયા છે અહીં ખેતરોથી,

કોઈ ચણાતાં ઘરમાંથી ભાગી,

કે કો જતી લારી થકી પડીને

ભાંગી બની બે કટકા, પડી રહ્યા.

ખંડાયલી કાય બધાયની અહીં,

ઈંટ આખી વરતાય કોઈ,

અખંડના ભાગ્ય વિશે ખંડ છે!

તો બધાં ખંડિતનાં બંડ છે!

દુર્ભાગી માલિકહીન શ્વાનશા,

જુગારીશા કે નિત હારનારા,

અભાગિયા ભાગ્ય ફરી જતાં અહીં

આવી ચડ્યા હ્યાં વસવા વિરાનમાં.

એકદા ખેતરમાં સુકર્ષિતા

માટી હતા ધાન્યફળોથી શોભતી,

કોઈ હતા મંદિર માળિયે ચડ્યા.

પૂજાગૃહે, સ્નાનગૃહે ઘડ્યા મઢ્યા!

આજ આંહીં રખડાઉ ભામટા,

અકિંચનો ને રખડંત નિર્ગૃહી

લોક તણો સાથ સેવતા વસે,

રસ્તે જતાનાં પગ-ટાયરો ડસે.

આવે અહીં સૌ ઋતુની પ્રવાસી

કૈં ટોળીઓ અલ્પ દિનો-નિવાસી,

ઈરાનીઓ મસ્ત અને ગુલાબી,

છારાં, મદારી, ભટકંત વાઘરી.

તંબૂ તણાતા, પથરાય સાદડી,

રચાઈ જાતી ઘર-છાવણી-છટા,

ને ઈંટાળા નિત સેવનાતુર

ચૂલા બની તત્ક્ષણ સ્હાય દેતા.

સંરક્ષતા કાય થકી સુઅગ્નિ,

માથે ધરે ભાણ્ડ પચંત અન્નનાં,

તાવણીમાં કપરી તવાતા,

કચ્ચા મટી થાય ઘણાક પક્કા!

અનેક રૂપે નિજ સેવ અર્પતા,

અનેકની મૈત્રી થકી સુશિક્ષિત,

પ્રગલ્ભ ને પ્રૌઢ અનેક લક્ષણે,

કરી રહ્યા કર્મ અનેક સંકુલ.

ટોળીઓની રખડાઉ જિંદગી

માંહે વસ્યાં વેરની તૃપ્તિ અર્થે

કૈં છે બન્યા સ્હાય અમોલી, જાતે

ચપ્પુ છરા સંગ ઘસાઈ ધાર દૈ!

કે કૈં નજીવી વસથી વઢી પડ્યે,

વાગ્યુદ્ધ અંતે કરયુદ્ધ જામતાં,

ગોળા સમા તોપ તણા કરે ચડી

શસ્ત્રો બની સ્હાય દીધી અમોલી!

કે રાત્રિ-એકાંત વિશે અભાગણી

પતિવિહોણી પરિત્યક્ત નારીને

ઉદ્વેગ ઓછો કરવા બન્યા હશે.

સહાય માથું કૂટવા મહીં કો.

કે ઝાડનાં પર્ણ થકી ચળાતી

જ્યોત્સ્ના તળે સુપ્ત યુવાન યુગ્મની

કેલિપ્રસંગે બની કો શક્યા હશે

ઘેને ભર્યાં શીશ તળે ઉશીકાં.

...થયું થયું, રખડાઉ લોકની

કથા બધી ના કહી નાખવા ચહું.

જાવા દો વાત આખી સંબંધો માનવીયની,

કંટાળું કથની ક્હેતાં ઈંટાળા ને લૂંટારુની.

હજારો ઈંટ સિમેન્ટ પથ્થરોમાં ચણેલ કૈં

મકાનોમાં ખપ્યાં જે ના, તરછોડાયેલાં જે,

અહીં રવડે માર્ગે અડફેટે ચડે સદા,

અને તે એમના જેવાં તરછોડાયલાં સદા,

સમાઈ ના શક્યાં ક્યાંઈ ચોગઠામાં સમાજના.

ફરંદાં, ભમતાં, ભૂખ્યાં, અકિંચન નિર્ગૃહી-

તણી સોબતમાં થોડો જીવ્યાનો રસ માણતાં,

રખડુ રખડુ સંગે, ઈંટાળા તે ઈંટાળુ શું.

અને તે ચોરલૂંટારા, ખિસ્સાકાપુ, ખુંટેલ શું

શીખીને કર્મ તેવાં છો મને આંતરી રહ્યા,

બેઠા છો પેંતરા બાંધી, છો ટીચે મુજ ટાયરો,

રાચું છું નિત્ય ભાળી રખડુ જન ડાયરો!

અને માર્ગમાં મારા ઈંટાળા વીસત્રીસ કૈં

અલીબાબા તણા ચોરો સમી લોકટોળીને

નીરખી ચિંતું છું નિત્યે : ઈંટાળા રખડાઉ

તથા રખડુ ટોળાં : કોઈ શું કડિયો નથી

ચણી લૈ જેહ સંધાંને, રચે કો ભવ્ય આલય,

આપણાં ઈંટચૂનાનાં થકીયે ભવ્ય આલય?

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004