સ્તુતિમંગલ
stutimangal
છોટાલાલ નરભેરામ ભટ્ટ
Chhotalal Narbheram Bhatt
રાધાશું શૃંગાર અને હાસ્ય ગોપવૃન્દ સાથે,
ગોપીના વિયોગથી કરુણ ઉપજાવ્યો છે:
વીર કાલિનાગ સાથ, કંસ સાથ રૌદ્ર, અને
જરાસન્ધ થકી ન્હાશી ભય સમઝાવ્યો છે:
અઘદેહ ફાડીને બીભત્સ, તેમ અદભુત
ગોવર્દ્ધન તોળી અને જગને જણાવ્યો છે:
પાંડવોને પાળી વત્સ, યાદવોને રોળી શાન્ત,
કૃષ્ણદેવે પૂર્ણ રસગ્રન્થ આ ભણાવ્યો છે!
મત્સ્ય છો કે વત્સ, અને કૂર્મ છો કે હાસ, છો
વરાહ કે બીભત્સ, કે નૃસિંહ કે ભય છો:
વામન કે અદભુત, કે પરશુરામ વીર,
રામ કે કરુણ, કૃષ્ણ કે શૃંગારમય છો:
બુદ્ધ છો કે શાન્ત રસ, કલ્કિ છો કે રૌદ્ર રસ,
દેવ કેરા દેવ કે અખંડ રસમય છો:
કોણ છો કૃપાળ ત્હમે, યોગીને અગમ્ય છો, કે
સર્વથા કવિજનોના રસના વિષય છો?
સ્રોત
- પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931