prabhu jane kale – - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રભુ જાણે કાલે –

prabhu jane kale –

જગદીશ ત્રિવેદી જગદીશ ત્રિવેદી
પ્રભુ જાણે કાલે –
જગદીશ ત્રિવેદી

પ્રભુ જાણે કાલે દિવસ ઊગતાં ક્યાં હઈશ હું?

પરોઢે પંખીના કલરવ થકી સ્વપ્ન સરતાં

ઊઠી, આંખો ચોળી, અલસ ગતિથી કુંજ ત્યજીને

શીળી રેતીશૈયા પર પડીશ આવી, નીરખતો

ઉષાતેજોવર્ષા જલધિસલિલે નૃત્ય કરતી?

વળી બપ્પોરોના પ્રખર તણખા અંગ ભરતા

પહાડો-મિત્રોની મધુર મિજમાની ગ્રહી હશે?

અજાણી કો' દેરી નિકટ સરતી ગ્રામ્યસીમની

મહીં ઝીણી ઝીણી કવનરટણામાં વિરમીશ?

ઢળી ક્ષેત્રે ખાટે કૃષિકમઢુલી પ્રાંગણ વિશે

નમેલી સંધ્યાની સુરભિઝર પાની ચૂમીશ, કે

પછી, ગાડીમાંથી કનકનળિયાં ગ્રામ્યઉટજો

તણાં જોતો જોતો મુજ સફરનામું લખીશ હું?

નિશાને ઘેરીને અલકલટ ઉતારી લઈને

રૂપાળી ચન્દ્રિકા મુજ પ્રિયતમા ને ધરીશ, કે

ઊંડા અંધારામાં મણિધર ગળે વીંટી લઈને

પ્રકાશે એના હું

રહસ્યો રાત્રીનાં સુલભ કરતો ખૂંદીશ વનો?

પ્રભુ જાણે કાલે સમય સમયે ક્યાં હઈશ હું?

સ્રોત

  • પુસ્તક : હરિચંદન (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : જગદીશ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1962