anthshruti - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અન્તઃશ્રુતિ

anthshruti

સાગર સાગર
અન્તઃશ્રુતિ
સાગર

‘મ્હને તૂં ચાહે છે?’ શ્રુતિ પર પડ્યો શબ્દ પ્રભુનો,

અને મેં ધાર્યૂં કે મુજ હૃદય ચ્હાતું પ્રતિ ક્ષણે;

મ્હને લાગ્યૂં કે હૂં પ્રભુ પ્રતિ બહુ પ્રેમ ધરતો;

પ્રભૂને ના ચાહૂં? કયમ કદિ બને મુજ થકી!

‘મ્હને તૂ ચાહે છે?’ ફરિથિ ભણકારો કૈં થયો;

વિચારોમાં ઝૂકી મગજ મુજ કૈં બ્હાવરું બને:

ચાહૂં કે ચાહૂં પરમ પ્રભુને હૂં હૃદયથી?

પુછ્યૂં મેં પોતાને, પણ કંઈ યે સ્પષ્ટ સમઝયો.

ખરૂં ચ્હાવૂં તે શૂં? મુજ મન વિચાર્યૂં સ્થિર કરી;

અને પ્રશ્ને તો મમ હૃદયનૂં લોહિ ઉકળ્યૂં:

ઘણી અન્ધારીઓ દુર થઈ, કંઈ તેજ પ્રકટ્યૂં.

અને અન્તસ્તેજે સકલ જગ તેજોમય દિઠૂં.

હતૂં શુદ્ધ જ્યોતી: વિભુમય હતૂં વિશ્વ સહુ આ:

વિહારી વ્યાપેલો વિકસિત વિલાસે હૃદયમા:

ચિદાત્મા હૂં-તૂંમાં કરુણ વિભુ પ્રેમેવસિ રહ્યો:

પ્રભો, ઓ, ત્હારાથી સકલ જગ ચૈતન્યમય છે!

દિઠી ત્હારી સ્નેહી કરુણ સમદૃષ્ટિ સહુ પરે:

અણુ યે ના ખાલી : નિરખું વિભુને વ્યાપ્ત સઘળે.

તું ચાહે છે સૌને, વળિ જગત તૂંમય બધું,

છતાં હૂં અજ્ઞાની તુજ જગતને ચાહિ શકૂં.

ચહૂં છૂં શબ્દોથી: હૃદય પણ ચાહે નહિં ત્હને,

અને એવૂં, કાં કે તુજ-મુજ બન્યાં એક નહીં:

હવે લાગે છે કે હજિય પ્રભુને ચાહિ શકૂં,

છતાં યે છૂં જૂઠો, પતિત, ઠગતો ‘ચાહું’ કહીને!

-ચહૂં જો સ્વામીને કયમ નવ ચહૂં જગતને?

નથી બે જૂદાં, જગત હરિ બે એકરુપ છે.

અને શી આજ્ઞાઓ પરમ પ્રભુની શબ્દ શ્રુતિએ

સ્મૃતિએ છે! –તો યે કમનસિબ પાળી નવ શકૂં.

અન્ત:શ્રુતિ પિછાનૂં છૂં અરેરે, ખેદ થાય છે:

‘પ્રભુને ચાહું છું કહેતું હૈયૂં જાતે ઠગાય છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931