દલપતરામ
Dalpatram
(વૈતાલીય છંદ)
રચના રચનાર રે ધણી, કરૂણાળુ કરૂણા કરો ઘણી;
પ્રભુતા પ્રભુ તારી તું ધરી, મજરો લઈ મુજ રોગ લે હરી.
કરવા કર વાવરો મને, સુખીઆરો સુખી આ ભજું તને;
વણસે વણ સેવના થકી, નર ધારી ન ધારણા નકી.
જનમે જન મેદની વિષે, હરી તેની હરિ તેં પિડા દિસે;
કરી દીકરી દીકરા ગણ્યા, દુખકાળે દુખ કાપી તે તણા.
ઘડી જે ઘડી જેટલા ધર્યા, ઉપકારી ઉપકાર તેં કર્યા;
ટળી આ ટળી આપદા જરા, ગુણ વાંચી ગુણવાન તાહરા.
હતી દા હતી દાડી જે અતિ, મળની ગૈ મળી નિર્મળી મતિ;
કવિતા કવિ તારિ જો ગણી, કથશે થોક થશે બણીબણી.
નખમાં ન ખમાય જે અમે, જીવતા કંઈ જીવ તાપ તે ખમે;
ઠગવા ઠગવાત સૌ કરે, જગપાળુ જગ પાપ તું હરે.
રજ પાર જ પામીએ કથી, પણ આ ડાપણ આગળે નથી;
જણશે જણ સેંકડો ફરે, સદભાગી સદભાવના ધરે.
જનરંજન રંગ તેં કર્યા, સુખકારી સુખકારણે ધર્યા;
તનવંત ન વંદશે તને, નર તો વાનર તોલમાં બને.
તજવા તજ વાત જે કહે, નિજનો ખુની જનો ગણી લહે;
ગણના ગણનાર જો કરે, ગણ તારા ગણતાંજ તે મરે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 176)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
