antim ichchha - Metrical Poem | RekhtaGujarati

અંતિમ ઇચ્છા

antim ichchha

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
અંતિમ ઇચ્છા
લાભશંકર ઠાકર

ને વૃદ્ધ હાથે પકડી બપોરના

તું હોય રામાયણ વાંચતી સખી

ઝીણાં કરી લોચન બે નમીને;

ને વિપ્રલંભે કૃશકાય આકુલા

કારુણ્યમૂર્તિ અહદગ્ધ જાનકી

ઊભી રહી હો તુજ નેત્રની નીચે

પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય

મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં;

કહું ?

ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી

પતંગિયું એક બની સુવર્ણનું

આવીશ પૃષ્ઠ પર બેસવા ક્ષણ

ઊંચી તમારી પ્રિય પુષ્ટ કાયા

નાહ્યા પછી રોજની જેમ હાથમાં

પ્રવેશશે છાબ લઈ. અજસ્ત્ર

મોંથી હસે મંત્ર ઝરંત, સિક્ત

નમેલ બે સ્કંધ પરે પ્રશસ્ત

ઢળ્યો હશે આતપ સ્હેજ હે સખે

વિશ્રબ્ધ મારા મુખ-શો; ધીમે ધીમે

આવી અહીં આંગણમાં કરેણની

ડાળી પરે દક્ષિણ હાથ દીર્ઘ

લંબાવશો; કંપતી અંગુલિ થકી

થશે જરી સ્પર્શ ત્યહીં હું પ્રિયે

ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005